સુરત : આ જાણીને આપને આઘાત લાગશે, પણ સુરત શહેર વિસ્તારમાં છેલ્લા 36 કલાકમાં 11 આત્મહત્યાના બનાવો સામે આવ્યા હતા. કોઈએ બીમારી તો કોઈ કે આર્થિક સંકડામણથી કંટાળી, તેમજ અલગ અલગ કારણોસર જીવન ટુંકાવ્યું હતું. વધી ગયેલ આપઘાતના બનાવોથી લોકો ચિંતામાં મૂકાયા છે.
આર્થિક સંકડામણમાં કરી આત્મહત્યા :
મૂળ બિહારના વતની સુજિત બિહારી મહંતો (ઉં.વ. 22 વર્ષ) હાલ વેડરોડ ખાતે આવેલ આનંદપાર્ક સોસાયટીમાં રહેતા હતા. સુજિત રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી કામકાજ સારી રીતે ચાલતું ન હતું, જેથી આર્થિક સંકડામણમાં મંગળવારે સાંજે 4 વાગ્યા આસપાસ ઘરમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે ચોકબજાર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
યુવકે એસિડ પીને જિંદગી ટૂંકાવી :
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ રુધરપુરામાં આવેલ ગાર્ડન કોલોનીમાં 30 વર્ષિય મેહુલ મહેન્દ્રભાઈ શિંધે માતા-પિતા સાથે રહેતા હતા. મેહુલ બેકાર બેસી રહેતો અને દારૂનું સેવન કરતો હતો. બુધવારે બપોરે મેહુલ દારૂનો નશો કરીને ઘરે આવ્યો અને તેની માતા પાસે વાપરવાના રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેની માતાએ રૂપિયા આપવાની ના પાડી દેતાં મેહુલને વાતનું માઠું લાગી આવ્યું હતું. જેથી તેણે દારૂના નશામાં એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પરિણીતાએ ગળે ફાંસો ખાધો :
મૂળ ઓડિશાના વતની નારાયણ પ્રધાન હાલ અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ શ્રીરામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. નારાયણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્રણ મહિના પહેલાં નારાયણે ખીલેશ્વરી (ઉં.વ. 25 વર્ષ) નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે ખીલેશ્વરી વતનમાં તેની માતા સાથે ફોન ઉપર વાત કરી હતી. ત્યારબાદ તેણે 5 વાગ્યાના સુમારે ઘરમાં લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ અન્ય બનાવમાં અલગ અલગ કારણોસર લોકોએ આપઘાત કર્યા હતા.