કચ્છ: હાલમાં નવરાત્રીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે કચ્છમાં વર્ષોથી આહીર સમાજ દ્વારા ગામડાઓમાં ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન આહીર સમાજના ભાઈઓ દ્વારા ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આહિર રાસ રમવા આવે છે. તો બહેનો પણ મોંઘા અને વજનદાર સોનાના દાગીના પહેરી પરંપરાગત પોશાકમાં રાસડા રમે છે.
પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે રાસડા લેવાની પ્રથા: યદુવંશી આહીર સમુદાયનો અતિ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. તો શ્રીમદ ભગવત ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું પણ પાલન પોષણ આહીરોને ત્યાં થયું હતું. આહીર ભગવાન શ્રી કૃષ્ણના વંશજ તરીખે ઓળખાય છે. આહીર સમાજની પણ એક અલગ ઓળખ છે તેમજ આહીર સમાજમાં માન, મર્યાદા, બલિદાન અને મોભો તો સંકળાયેલું જ છે. પરંતુ હવે આજના આ આધુનિક યુગમાં યુવા પેઢીએ સમાજની પરંપરાને જાળવી રાખી છે.
મુખ્ય 5 જાતિના આહીરો: કચ્છમાં આહીરોની ઘણી વસ્તી છે અને જેમાં પરથારીયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠીયા એ આહીરોની મુખ્ય 5 જાતિઓ છે. ત્યારે જુદા જુદા પ્રાંતમાં વસેલા આહીર સમુદાયનો પરંપરાગત ભાતીગળ પહેરવેશ અને સાંસ્કૃતિક વારસો પણ રહેલો છે. ત્યારે આજે પણ 150થી 200 વર્ષ જૂની પરંપરામાં મુજબ આહીર સમાજની મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે નવરાત્રીમાં રાસડા લે છે.
આહિર સમાજના પરંપરાગત પોશાક અને વસ્ત્રો: આહીર સમાજની મહિલાઓના પહેરવેશને નવખંડી તરીકે ઓળખવામાં આવે છે. આહીર સમાજમાં આ પોશાકને પરંપરાગત પોશાક માનવામાં આવે છે. તેમજ વર્ષો જૂની પરંપરા મુજબ આહીર સમાજની મહિલાઓ ઘર-પરિવાર કે જ્ઞાતિમાં આયોજિત થતા શુભ, ધાર્મિક, સામાજિક, લગ્ન અને મહારાસ જેવા પ્રસંગમાં આ પહેરવેશ અને સોનાના આભૂષણો પહેરે છે. આહીર સમાજની મહિલાઓ તેના પોશાકથી પણ ઓળખાતી હોય છે.
ભારતીય સંસ્કૃતિનુ જતન: આહીર ગામડાઓની વાત કરવામાં આવે તો ગરબામાં આજે પણ ગામડાઓમાં ભારતીય સંસ્કૃતિનુ જતન મુજબ જૂના રીતરિવાજ મુજબ ગીતો ગવાય છે અને રાસ પણ રમાય છે. ભુજ તાલુકાના મમુઆરા ગામમાં આજે પણ ભાઈઓ અને બહેનોના રાસ ગરબા ભારતીય સંસ્કૃતિ મુજબ માતાજીની આરાધના કરીને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
100 વર્ષથી આ સ્થળે રાસડા લેવાય છે: જે ચોકમાં ગરબા રમવામાં આવે છે. ત્યાં મંદિરના પૂજારી ભગવાનદાસ કાપડીએ જણાવ્યું હતું કે, છેલ્લા 100 વર્ષથી અહીંયા રાસડા લેવામાં આવે છે અને તેમની આ ચોથી પેઢી છે. જે અહીં પૂજા અર્ચના કરે છે અને આહીર સમાજની આ પરંપરા મુજબ દર વર્ષે અહીં સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે માતાજીના ગરબા લે છે અને આરાધના કરતા હોય છે.
માતાજી જગદંબા સ્વરૂપે મહિલાઓ શ્રૃંગાર સજે છે: આહીર સમાજની સદીઓ પુરાણી આ પરંપરા છે. જેમાં સમાજની મહિલાઓ સમાજની પરંપરા મુજબ માતાજી જગદંબા સ્વરૂપે માનવામાં આવે છે અને સોળે શ્રૃંગાર તેઓ સજે છે. પરંપરાગત કપડાં અને મોટા મોટા ઘરેણાં પણ પહેરે છે. જે દેખાવે ખૂબ આકર્ષક હોય છે. મહિલાઓ મોટા મોટા આભૂષણો પહેરીને એક જ તાલે રાસડા લે છે.
યુવા પેઢી પણ પરંપરા સાથે સંકળાયેલા રહે તેવા પ્રયત્નો: મમુઆરા ગામના સરપંચ ગોકુલ જાટીયાએ જણાવ્યું હતું કે, 150થી 200 વર્ષ જૂના સમયથી વડીલો અને પૂર્વજો જે રીતે નવરાત્રીની ઉજવણી કરતા હતા. તે જ રીતે ઉજવણી કરવામાં આવે છે. આહીર સમાજના ભાઈઓ અને બહેનો તેમનો પરંપરાગત પરિવેશ પહેરીને પરંપરા જાળવી છે. આ સાથે તેઓ રાસ સાથે ગરબે રમતા હોય છે. ભાઈઓ પણ એમનો એક અલગ જ રાસ રમતા હોય છે. ફક્ત મનોરંજન માટે જ નહીં. પરંતુ નવરાત્રી માતાજીની આરાધના સાથે સાથે સમાજની યુવા પેઢી પણ તેમની પરંપરા સાથે સંકળાયેલા રહે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. તો સાથે જ નાના ભૂલકાઓ પણ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે રાસ રમતા હોય છે.
આ પણ વાંચો: