ભાવનગર: ભાવનગર શહેરમાં વિજયાદશમી એટલે દશેરા નિમિતે જલેબી, ચોળાફળી અને મીઠાઈઓની ખરીદીમાં પડાપડી જોવા મળી રહી છે. શહેરમાં મીઠાઈવાળાઓ અને ફરસાણની દુકાનોમાં તાજી જલેબીઓ બની રહી છે. લોકો વિજયાદશમીની ઉજવણી પણ ધામધૂમ પૂર્વક મીઠાઈઓના સ્વાદ સાથે ઉજવી રહ્યા છે.
અસત્ય પર સત્યનો વિજયની મિષ્ટાન સાથે ઉજવણી: ભાવનગરમાં દર વર્ષની પરંપરાને આજે પણ જાળવી રાખવામાં આવી છે. સાંજે રાવણદહન બાદ લોકો જલેબી અને ચોળાફળી આરોગતા હોય છે. પરંતુ હવે તો બપોરથી લોકો જલેબી અને ફાફડા આરોગવાની શરૂઆત કરે છે. ત્યારે મીઠાઈવાળાઓ, ફરસાણવાળાઓ સવારથી જલેબી, ચોળાફળી વેહચવાની શરૂઆત કરે છે. શહેરના મુખ્ય બજારથી લઈને શહેરના કોઈ પણ ખૂણે જાવ એટલે જલેબી, ચોળાફળીની બોલબાલા છે.
ભાવ અને તાજી બનતી જલેબી લોકોને આકર્ષે: ભાવનગર શહેરના જમાદાર શેરીમાં ફરસાણવાળાઓ સવારથી તાજી જલેબીઓ બનાવવા તવાઓ માંડી દેતા હોય છે. હાલમાં પણ વિજયાદશમી નિમિતે તાજી જલેબીઓ બની રહી છે. લોકો ગરમ જલેબીઓ ખરીદવાનું પસંદ કરે છે. આ વર્ષે પણ જલેબીના ભાવ 160 થી લઈને 220 સુધી અલગ અલગ કિલોના બોલાઈ રહ્યા છે. જ્યારે ચોળાફળી 60 રૂપિયાની 250 ગ્રામના ભાવે વહેંચાઈ રહી છે.
જલેબી સાથે મીઠાઈઓની પણ માંગ: ભાવનગર શહેરમાં મીઠાઈવાળાઓને ત્યાં પણ વિજયાદશમી નિમિતે વિવિધ મીઠાઈઓની માંગ જોવા મળી રહી છે. મોહનથાળ, બરફી, હલવાપાક, કાજુકતરી, ડ્રાયફ્રુટ મીઠાઈઓ સહિત અનેક મીઠાઈઓ ખરીદી લોકો કરી રહ્યા છે. 200 રૂપિયાથી લઈને 1000 કીલો સુધીની વિવિધ મીઠાઈઓ વહેચાઈ રહી છે.
આ પણ વાંચો: