ભાવનગર: જિલ્લાના રાજ્યકક્ષાના CPM નેતા અને સીટુના નેતા અરુણભાઈ મહેતાની આગેવાનીમાં ગરીબ આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના વેતન પગલે વારંવાર રજુઆત સરકારમાં કરવા છતાં નિવેડો આવ્યો નથી. ફરી રેલી યોજી આવેદન અપાયું અને સરકારને નિષ્ઠુર ગણાવી દીધી છે. શુ કહ્યું બહેનોએ મોંઘવારીમાં ઘર ચલાવવા બાબતે જાણો.
ભાવનગરમાં સીટુ દ્વારા રેલી યોજવામાં આવી: ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન દ્વારા શ્રમજીવીઓ, આંગણવાડી, આશા વર્કર અને ફેસિલેટરોના વિવિધ પ્રશ્નોને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેર અને જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડીની આશા વર્કર અને ફેસીલેટર બહેનો જોડાય હતી. આ રેલી મોતીબાગ ટાઉનહોલથી નીકળીને ઘોઘા ગેટ ચોક સુધી ગઈ હતી. જો કે યુનિયનના 10 લોકો દ્વારા કલેક્ટરના બાદમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કારણ કે, રસ્તો બનતો હોવાને પગલે 10 આગેવાનોએ જઈને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
બહેનોની વેદના: ભાવનગરના મોતીબાગથી નીકળેલી આંગણવાડીના બહેનોની રેલીને પગલે આંગણવાડીના આશા વર્કર રેખાબેન લશ્કરીએ જણાવ્યું હતું કે, "ઘરમાં અમારા બીજાની લાચારી કરવી પડે છે અને અમારા બાળકોને ભરણપોષણમાં પણ તકલીફ પડે છે. સરકાર અમને બે અને ત્રણ હજાર આપે છે એમાં મારું ઘર કઈ રીતે ચલાવવું, ગેસના બાટલા,શાકભાજી, કરીયાણું છે દરેક ચીજ વસ્તુઓ મોંઘી છે, એટલે અમારી જે માંગ છે એ પ્રમાણે સરકારે વેતન આપવું જોઈએ. અમે રાત દિવસ કામ કરીએ છીએ ત્યારે આશા વર્કર પાસે વધારાનો પણ કામ કરાવવામાં આવે છે તેનું પણ વેતન આપવામાં આવે. અમારું સમાન કામ સમાન વેતન અંતર્ગત વેતન સમયસર આપવામાં આવે તેવી માંગ છે".
100 કરતા વધુ વખત રજુઆત પણ સરકાર નિષ્ઠુરના આક્ષેપ: ટ્રેડ યુનિયન નેતા અરૂણભાઇ મહેતાએ જણાવ્યું હતું કે 2018 પછી કોઈપણ પ્રકારનો વધારો આંગણવાડી કાર્યકર બહેનોને આપવામાં આવ્યો નથી. બહેનોની હાલત એવી છે કે, આજની મોંઘવારીમાં પોતાનું જીવન અને ગુજરાન કઈ રીતે ચલાવે. વ્યાજના લીધેલા પૈસાથી ચલાવવું પડે છે. ઘણા લોકોને આપઘાત કરવા પડે તેવી સ્થિતિ છે. ઓછામાં ઓછા 100 થી વધુ વખત ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી અમે લેખિત સ્વરૂપે, રેલી સ્વરૂપે, આંદોલન સ્વરૂપે રજૂઆત કરવા છતાં પણ સરકાર સામે જોતી નથી આ સરકાર કેવી નિષ્ઠુર છે તે અમને સમજાતું નથી. 40 વર્ષના ઇતિહાસમાં અમે આવી કોઈ નિષ્ઠુર સરકાર આજદિન સુધીમાં જોઈ નથી. આખો મહિનો કામ કર્યું એનો પગાર તો મહિનાના અંતે આપો, કરેલા કામનું વળતર રો સમયસર આપો. જો સરકાર નહીં માને તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ તો જિલ્લામાં કુલ સંખ્યાઃ ભાવનગર શહેર અને જિલ્લામાં આઇસીડીએસ અંતર્ગત શહેરમાં 316 આંગણવાડી કાર્યકર અને જિલ્લામાં 1591 આંગણવાડી કાર્યકર છે. જ્યારે યોજાયેલી રેલીમાં આશરે 500 જેટલી બહેનો આશા વર્કર આવી હોવાનું ટ્રેડ યુનિયનના નેતા અરૂણભાઇએ જણાવ્યું હતું. જો કે અરુણભાઈના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં અને શહેરમાં 600 થી 700 આશા વર્કર બહેનો અને 300 જેટલી ફેસીલીટર બહેનો છે. આમ આશરે બે થી ત્રણ હજાર જેટલી બહેનો છે.