બનાસકાંઠા: ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જોકે દોરડા વડે ફાંસો ખાધેલા યુવક યુવતી પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામે એક ઝાડની ડાળીએ દોરડા વડે ગળેફાંસો ખાઈને યુવક અને યુવતીએ આપઘાત કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડી એડી નોધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, એક જ દોરડા વડે એક સાથે યુવક યુવતીએ ગળેફાંસો ખાધો હોવાથી બંને પ્રેમી પંખીડા હોવાની શંકા ઘેરી બની હતી. જ્યારે બંને યુવક યુવતી કોણ છે અને ક્યાંના છે એ હજુ સામે આવ્યું નથી. જોકે યુવક યુવતી ગળેફાંસો ખાઈ આપઘાતની ઘટના સમગ્ર ધાનેરા પંથકમાં ટોક ઓફ ટાઉન બની હતી. તેમજ બંને યુવક યુવતી ધાનેરા વિસ્તારના છે કે અન્ય કોઈ વિસ્તારના અને કેમ ગળેફાંસો ખાઈને આપઘાત કરવાની નોબત આવી તે પોલીસની તપાસ બાદ ખબર પડશે.