રાજકોટ: રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં બની રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરી રહેલા પીન્ટુ નામના યુવાનનું ગત 15 જુલાઈના રોજ ચોથા માળેથી પટકાતાં મૃત્યુ નિપજ્યું હતું. અને તેના પીએમ રિપોર્ટમાં પણ ચોથા માળેથી પડી જવાથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. પરંતુ આ સમગ્ર મામલે પોલીસને ક્યાંક શંકા સેવાઈ રહી હતી, જેથી બાંધકામ સાઈટ પર કામ કરી રહેલા તમામ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી.
નોનવેજ બાબતે માથાકૂટ થઈ: બાંધકામ સાઈટ ઉપર ચોથા માળેથી પડી જવાથી પીન્ટુનું મૃત્યુ થયાનું પોલીસને ગળે ઊતરતું ન હતું. જેથી પોલીસે બાંધકામ સાઈટ પર રહેલ તમામ મજૂરોની પૂછપરછ કરતા એક વ્યક્તિ ઉપર પોલીસને શંકા ગઈ હતી. જેમાં વધુ પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે, મૃતક પીન્ટુનો પિતરાઈ ભાઈ સુરેશ વાસ્કેલા અને પીન્ટુ વચ્ચે ગત 14 જુલાઈના રાત્રિના નોનવેજ બાબતે માથાકૂટ થઈ હતી અને બાદમાં બંને ભાઈઓએ સમાધાન કરી લીધું હતુ.
ઘટના સ્થળે જ મોત નિપજ્યું: બંને પિતરાઈ ભાઈઓ નિર્માણ થઈ રહેલ આવાસનું કામ કરવા માટે ચોથા માળે ગયા ત્યારે સુરેશે અગાઉ તેના ભાઈ પીન્ટુને મોબાઇલ આપ્યો હતો. પરંતુ પીન્ટુ દ્વારા તેના પૈસા આપવામાં આવ્યા ન હતા. જેને લઈને બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ ત્યારે ત્યાં હાજર રહેલાઓએ બંનેને છૂટા પાડી દીધા હતા અને સુરેશ ત્યાંથી નીચે ઉતરી ગયો હતો. પરંતુ ફરીથી તેને ઉશ્કેરાટ ઉપડ્યો હતો અને તે ચોથા માળે જઈ બાલ્કની પાસે ઉભેલ પીન્ટુને ધક્કો મારી દેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયુ હતું. જેથી પોલીસે અગાઉ શંકામાં રહેલ પિતરાઈ ભાઈ સુરેશને ઝડપી પાડી તેના વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.