અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદ આઇકોનિક રોડ હિન્દુ ભવન અને એસી હાઇવે પર પણ ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે. આજરોજ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી.
'મોહબ્બત કી દુકાન' : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતા શહેઝાદ ખાને જરૂરિયાતમંદોને સહાય આપવાના કોંગ્રેસના કાર્યક્રમની કડીની શરૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા 'મહોબત કી દુકાન' નામથી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તેની જાહેરાત પણ કરવામાં આવી હતી.
'રાહુલ ગાંધી દ્વારા જે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, તેને અનુસરીને અમે 'મહોબત કી દુકાન' શરુ કરીએ છીએ.' -- શહેઝાદ ખાન પઠાણ (વિપક્ષ નેતા, અમદાવાદ મનપા)
કોંગ્રેસનો મોન્સૂન કંટ્રોલરૂમ : શહેઝાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં અત્યારે અતિભારે વરસાદની પરિસ્થિતિ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમે એક હેલ્પલાઇન નંબરની જાહેરાત કરીએ છીએ. આ હેલ્પલાઇન નંબર પર ગતરોજથી જ ઘણા લોકોએ પોતાની સમસ્યા જણાવવી હતી. અહીં કેટલાક લોકોને પાણી ભરાવાની સમસ્યા હતી, તો કેટલાક લોકોને ફૂડ પેકેટની જરૂરિયાત હતી.'
7779074719 પર મદદ માંગી શકશે: વિપક્ષ દ્વારા આ બધા જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી બે દિવસ સુધી આ 'મહોબત કી દુકાન' શરૂ રહેશે અને જરૂરિયાત મંદ લોકોને પીવાનું પાણી, ગરમ જમવાનું, જ્યુસની બોટલ આપવામાં આવશે. જેના માટે એક હજાર કીટ બનાવીને તૈયાર રાખવામાં આવીને વિતરણ કરવામાં આવશે. જરૂરિયાત મંદ લોકો કંટ્રોલ રુમના નંબર 7779074719 પર મદદ માંગી શકશે.