જૂનાગઢ : હોળીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે ખજૂર, ધાણી, દાળિયા, પતાસા અને હારડા ખાવાનું એક વિશેષ મહત્વ છે. હોળીના દિવસો દરમિયાન ખજૂર, ધાણી અને દાળિયા સહિતની બીજી ચીજ વસ્તુઓ આરોગવાને આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવ્યું છે. તબીબો પણ આ દિવસો દરમિયાન ખજૂર, ધાણી અને દાળિયા ખાવાની સલાહ આપી રહ્યા છે.
ઋતુ અનુસાર ભોજનનું મહત્વ : હોળીના તહેવાર દરમિયાન ખજૂર, ધાણી, દાળિયા, હારડા અને પતાસા ખાવાની એક વિશેષ પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. જેને આરોગ્ય માટે પણ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. હોળીના આ દિવસો દરમિયાન કોઈ પણ વ્યક્તિ ધાણી, દાળિયા અને ખજૂર આરોગે તો તેેને આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ હોવાનું આયુર્વેદિક વિજ્ઞાન સાથે જોડાયેલા તબીબો પણ માની રહ્યા છે.
ગરમીમાં અસરકારક ખજૂર : વસંત ઋતુની શરૂઆતના દિવસોમાં જ અંગ દઝાડતી ગરમી પડતી હોય છે. આવા સમયે આકરી ગરમીથી રક્ષણ કરવાની સાથે ઉનાળાના દિવસો દરમિયાન શરીરને લાભ મળી રહે તે માટે પણ ધાણી, દાળિયા અને ખજૂરને મહત્વના આરોગ્યપ્રદ ખોરાક તરીકે માનવામાં આવે છે.
શિયાળામાં ફાયદાકારક ભોજન : શિયાળા દરમિયાન લોકો ખૂબ જ મુક્ત મને ભોજન આરોગતા હોય છે. શિયાળાને ભોજનની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિયાળાના ચાર મહિના દરમિયાન લોકો મુક્તપણે ઘીની મીઠાઈ અને તમામ પ્રકારના શાકભાજી સાથે કઠોળ પણ પુષ્કળ પ્રમાણમાં આરોગતા હોય છે. શિયાળા દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ભૂખ પણ વધુ લાગતી હોય છે. જેથી લોકોની ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે. વસંત ઋતુની શરૂઆતમાં જ કફ અને પિતનો પ્રકોપ પણ આવે છે. જેના શમન માટે ધાણી, દાળિયા અને ખજૂર ખૂબ જ મહત્વના ખોરાક બની રહે છે.
આયુર્વેદિક તબીબનું મંતવ્ય : આયુર્વેદિક ચિકિત્સા સાથે જોડાયેલા તબીબ બકુલ પંડ્યાએ ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેમણે ખજૂર, ધાણી અને દાળિયાની ઉપયોગીતા વિશે જણાવ્યું હતું કે, શિયાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ખાધેલા ખોરાકને કારણે શરીરમાં પિત, કફ અને વાયુનો ખૂબ ઉપદ્રવ થતો હોય છે. જેના શમન માટે જુવારમાંથી બનેલી ધાણી અને દાળિયા ખૂબ જ અસરકારક બને છે. વધુમાં ગળાની તકલીફ માટે ખજૂરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિના શરીરમાં પ્રકોપ રૂપે જોવા મળતા કફ, વાયુ અને પિતને દૂર કરવામાં હોળીના દિવસો દરમિયાન ધાણી, દાળિયા અને ખજૂરને ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.