વલસાડ: સમગ્ર વિશ્વમાં વલસાડ જીલ્લો કેરી માટે જાણીતો છે. એવી હાફૂસ કેરીની સ્વાદ રસિયાઓ કાગડોળે રાહ જુએ છે. પરંતુ આ વર્ષે કેરીના પાકને કલાઈમેટ ચેન્જની સીધી અસર જોવા મળી છે. શિયાળા દરમ્યાન ફલાવરીંગ માટે જેટલી ઠંડી જોઈએ તે પ્રમાણમાં ઓછી પડી છે જેના કારણે ફલાવરીંગ ન થતા પાક ઓછો જોવા મળી રહ્યો છે જેને પગલે કેરીનો ભાવ પણ આ વખતે વધુ રહે એવી શક્યતાઓ છે.
આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ: વલસાડ તાલુકાના કચીગામના ખેડૂત જણાવે છે કે, દર વર્ષે કેરીનો પાક ઓછો થતો જઈ રહ્યો છે. વળી હાફૂસ કેરી જે વલસાડની ઓળખ છે તેનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને સાથે સાથે ઉત્પાદન તેની સીઝન કરતા બે થી ત્રણ અઠવાડિયા મોડું થઇ જતા સીઝન ધીમે ધીમે પાછળ ઠેલાઈ રહી છે. માંડ ફલ્વારીંગ થયા બાદ તેના ઉપર દીઘા અને ચીપતો જેવી બોમારી પાક ઉપર જોવા મળે છે. તેનાથી કેરીના પાકને બચાવવા માટે સ્વાભાવિકપણે રાસાયણિક ખાતરનો છંટકાવ કરવો પડી રહ્યો છે. એક વાર દવા છાંટવાનો ખર્ચ ૫ હજાર કરતા વધુ થાય છે અને કેરીનું ઉત્પાદન દવાના ખર્ચ કરતા ઓછું મળતા યોગ્ય ભાવ નથી મળતા તેથી ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી.
સાત જીલ્લામાં કેરીનું વાવેતર: વલસાડ જીલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં કુલ ૭ જીલ્લામાં કેરીનું વાવેતર જોવા મળે છે અને જેમાં કુલ ૯૮,૬૭૨ હેક્ટરમાં કેરીનું વાવેતર છે. વલસાડ જીલ્લામાં માત્ર ૩૭,૦૦૦ હેક્ટરમાં કેરીનું વાવેતર છે. જેમાં આ વર્ષે ઠંડી ઓછી થવાને કારણે જે ફલાવરીંગ થવું જોઈએ તે થયું નથી અને જેના કારણે કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી કેરી રસિયાઓ માટે કેરીનો સ્વાદ માણવા માટે વધુ ખર્ચ કરવો પડશે.
વલસાડી હાફૂસ જુજ પ્રમાણમાં માર્કેટમાં આવી: વલસાડી હાફૂસની ડીમાંડ વધુ છે. પરંતુ સંવેદનશીલ હોવાને કારણે દર વર્ષે એને વાતવરણની સીધી અસર જોવા મળે છે. આ વર્ષે પણ વેપારી અને ખેડૂતો જણાવી રહ્યા છે કે, કેરીનો પાક ૪૦ ટકા જ રહેશે. જેના કારણે આ વખતે કેરી ખાનારાઓના ખિસ્સા ઉપર બોજ વધી શકે છે. હાલમાં અથાણા માટે ઉપયોગમાં આવતી રાજાપુરી અને કેસર કેરીનું આગમન ધરમપુર કેરી માર્કેટમાં થઇ ચુક્યું છે.
આ વખતે ત્રણ ફાલમાં કેરી જોવા મળી: ફલ્વારીંગ ઓછું થવાને કારણે સીઝન એક માસ પાછળ ઠેલાઈ રહી છે. જેથી કેરીનો જથ્થો એપ્રિલ માસમાં 20 તારીખ બાદ માર્કેટમાં આવી જતો હતો, એ હજુ માર્કેટમાં પહોચ્યો નથી. પાક પણ આ વખતે ઓછો રહેવાની શક્યતા છે. કારણ કે, જેટલા પ્રમાણમાં ઠંડી જોઈએ તે પડી નથી જેના કારણે ઉત્પાદન ઉપર અસર પડી શકે છે: અરુણ ગરાસીયા (ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત વલસાડ )
૮૦ ટકા કેરીના ખેડૂતો આ વખતે નુકસાનમાં છે: કચીગામના કેરીના ખેડૂત રાજેશભાઈ પટેલ જણાવે છે કે, આ વખતે વાતવરણની અસરને કારણે ફલાવરીંગ ઓછું થવાને કારણે ખેડૂતોનો દવા, ખાતર, મજુરીનો ખર્ચ પણ ઉત્પાદનમાં મળતા પૈસાથી પૂર્ણ નહિ થાય કારણ કે, કેરીનું ઉત્પાદન મેળવવા પાછળ કરેલ ખર્ચ પણ નીકળશે નહી. માત્ર ૨૦ ટકા ખેડૂતો જ એવા છે જે આ નુકશાનીમાંથી બહાર આવી શકશે. વારંવાર થતા વાતવરણના બદલાવને કારણે કેરીના પાકને તેની સીધી અસર થઇ રહી છે.
હાલમાં અથાણાની કેરી અને કેસર માર્કેટમાં પહોચી: તાજેતરમાં માર્કેટમાં અથાણામાં ઉપયોગી એવી રાજાપુરી કેરી માર્કેટમાં પહોચી છે. જેનો 20 કિલોનો ભાવ હાલમાં રૂપિયા 700 થી 1500 રૂપિયા જયારે કેસર કેરીનો ભાવ રૂપિયા 1800થી લઇને 2500 જેટલો 20 કિલોનો ભાવ બોલાઈ રહ્યો છે. ત્યારે ધીમે ધીમે ધરમપુર કેરી માર્કેટ પણ હવે ધબકતું થયું છે.આમ આ વખતે કેરી રસિયાઓએ કેરીનો સ્વાદ લેવા માટે ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. પરંતુ કેરીનો પાક હજુ પણ અઠવાડિયા બાદ મુખ્ય જથ્થો માર્કેટમાં પહોચે એવી આશા વેપારી અને ખેડૂતો સેવી રહ્યા છે.