અમદાવાદ : કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. જેના વિરોધમાં આજે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક દિવસ હડતાળનું એલાન કર્યું છે. ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાળને સમર્થન આપ્યું છે.
ડોક્ટરોની હડતાળ : ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક દિવસ હડતાળનું એલાન કર્યું છે. જે મુજબ ગુજરાતભરની હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ તબીબી સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલી યોજી વિરોધ નોંધાવ્યો : અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ AMA થી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી. જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરોએ પણ IMA ની હડતાલને સમર્થન કર્યું છે. તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.
રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં પોલીસ વિભાગની શી-ટીમ મદદ કરશે. -- સુપ્રિટેન્ડેન્ટ (અમદાવાદ સિવિલ હોસ્પિટલ)
તમામ તબીબી સેવા બંધ : કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમાં વિરોધ જોવા મળ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ડોક્ટરો હડતાળ કરી રહ્યાં છે. હાલ માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ છે, બાકી તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
દેશવ્યાપી આંદોલન : ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા રેલી યોજી પીડિતાને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા ડોકટરો મેદાનમાં ઉતર્યા છે. આજે ડોકટરોની હડતાળનો બીજો દિવસ છે. અમદાવાદ અને સુરતમાં હાલ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને અસર પડી રહી છે.