સુરત: વેસુ વિસ્તારમાં લર્ન એન અર્નના નામે ધમધમતુ ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કોલ સેન્ટરના સંચાલકો આ ગેરકાયદે કોલ સેન્ટરના માઘ્યમથી જોબ પોર્ટલ દ્વારા બેરોજગાર વ્યક્તિઓનો ડેટા મેળવતા અને તેઓને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવાની તથા ઓનલાઇન કોર્સ કરવાની લાલચથી ફસાવી પાસેથી પૈસા પડાવતા હતાં. સુરતની સાયબર ક્રાઈમ સેલ પોલીસે દરોડા પાડી એક મહિલા સહીત 10 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યાંથી પોલીસે 3 લેપટોપ, 1 CPU, 59 મોબાઈલ ફોન, 30 સીમકાર્ડ, 12 ડેબીટકાર્ડ, બેંકની 7 ચેકબુક, 2 બેંક પાસબુક કુલ મળી રૂપિયા 6 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત કંપનીને લગતા જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ નકલો કબજે કરવામાં આવી છે.
કોલ સેન્ટરની આડમાં ગોરખધંધો: આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વેસુ વિસ્તાર માંથી LEARN N EARN ના નામે ચાલતા એક કોલ સેન્ટર પકડી પાડ્યું છે. આ કોલ સેન્ટરમાં બેરોજગાર લોકોને અલગ અલગ જોબ માટે લોભામણી લાલચો આપવામાં આવતી હતી. તેમના અલગ-અલગ પોર્ટલ ઉપરથી ડેટા મેળવી તેઓને નોકરીની લાલચ આપવામાં આવતી હતી. બાદમાં તેઓને જોબનો વીડિયો મોકલી તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ, સાઈન, ફોટો, તે ઉપરાંત ચાર્જ સ્વરૂપે રૂપિયા 7 હાજર લેવામાં આવતા હતા. બાદમાં તેઓને કહેવામાં આવતું હતું કે તમારું ડોક્યુમેન્ટ ફેક છે એમ કહીને તેઓ પાસેથી દંડ સ્વરૂપે રૂપિયા 44 હજાર લેવામાં આવતા હતા અને દંડ ન ભરે તો તેઓને ગ્રાહક સુરક્ષા નામે ધાકધમકીઓ આપવામાં આવતી હતી તે સાથે જ તેઓને ગ્રાહક સુરક્ષા ઉપર જઈ એક આખું ફોર્મ જનરેટ કરીને ફેક ફ્રોમ બનાવી તેઓ દ્વારા આપવામાં આવેલા ફોટો, સાઈન તેમાં એડ કરતા હતા તમારા વિરુદ્ધમાં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવશે એમ કહીને તેઓને બ્લેકમેલ કરીને પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા.
પોણા બે વર્ષથી ધમધમતુ ગેરકાયદે કોલ સેન્ટર: પોલીસે વધુમાં જણાવ્યું કે, આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષથી ચાલતું હતું. આ ઉપરાંત આજ કોલ સેન્ટર વિરુદ્ધમાં 2017માં CID ક્રાઈમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. અને હાલ જ્યાં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું તે આખી દુકાન અભય આત્મારામ શારદા નામે ચાલતી હતી. અભયની સાથે પ્રવિણ સુરેન્દ્ર સિંધ, મોહનભાઇ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તમાકુવાળા એમ કુલ ચાર લોકો ભેગા થઇ LEARN N EARN ના નામે ગેર કાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા. જોકે આમાં અભયે તેના સાથી મિત્ર પ્રવિણ સુરેન્દ્ર સિંધને આ દુકાન ભાડે આપી હતી. આ ઉપરાંત પ્રવીણ અને અભય વિરુદ્ધ આ પહેલા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કોલ સેન્ટરમાં અંદાજિત 50 જેટલા યુવક-યુવતીઓ પાસેથી કામ લેવામાં આવતું હતું.
ટ્રેઈનીઓને જ ખબર ન હતી કે આ ક્રાઈમ છે: આ તમામ યુવક-યુવતીઓ જોબ માટે ટ્રેનિંગ કરી રહ્યા હોય તેવું તેમને લાગતુ હતું, પરંતુ ખરેખરમાં તો આ લોકો પાસે જ તેઓ સાયબર ક્રાઇમ જેવા આ ગુનાને અંજામ અપાવતા હતા. બાકીના છોકરાઓ પાસેથી તેઓ ઉઘરાણીનું કામ કરાવતા હતા. એમ ત્યાં સાયબર સેલ પોલીસે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન દરમિયાન 3 લેપટોપ, 1 CPU, 59 મોબાઈલ ફોન, 30 સીમકાર્ડ, 12 ડેબીટકાર્ડ, 7 બેંક ચેકબુક, બેંક 2 પાસબુક કુલ મળી રૂપિયા 6.63.000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તે ઉપરાંત કંપનીને લગત જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ નકલો કબજે કરવામાં આવ્યા છે. અહીં કામ કરતા 50 જેટલા છોકરા-છોકરીઓને તેઓ મહિને રૂપિયા 9 હજારની સેલેરી આપતા હતા. એટલે તે હિસાબે એક વર્ષમાં એક થી બે કરોડ રૂપિયાનો આ આખો ધંધો ચાલતો હતો. હજી તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીએ રિમાન્ડ મેળવવામાં આવશે અને ત્યારબાદ તેમના કોમ્પ્યુટર માંથી કેટલા ડેટા મળી આવે છે તે હવે તપાસ વિષય છે.
એક હજારથી વધુ ભોગ બન્યા: 1000 થી વધુ લોકો આ કોલ સેન્ટર ઉપર ભોગ બન્યા હોય તેવું કહી શકાય છે. તે ઉપરાંત આ લોકો ખાસ કરીને સાઉથના લોકોને ટાર્ગેટ કરતા હતા. આ કોલ સેન્ટર બાબતે હજી સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી પરંતુ સુરત સાયબર સેલ પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે ત્યાં દરોડા પડતા એક બાદ એક સમગ્ર ઘટના સામે આવી હતી.
ઝડપાયેલા આરોપી
- શૈશવ અશોકકુમાર ચૌહાણ
- કુશલ રમેશભાઇ પાંડે
- ખુશ્બુ મનસુખભાઇ ભાલોડીયા
- મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા
- પ્રશાંત બચ્ચનપ્રસાદ શ્રીવાસ
- આશિષ જયંતિભાઇ પટેલ
- મયંક કાલુરામ કુમાર
- શેહઝાદ શૌકત અલી વડસારીયા
- રવિ શ્રીકાંતભાઇ સહાની
- કૌશલ રમેશભાઇ પાંડે
વોન્ટેડ જાહેર
- પ્રવિણ સુરેન્દ્ર સિંધ
- અભય આત્મારામ શારદા
- કિરણ મોહનભાઇ પટેલ
પોલીસે જણાવ્યું હતું કે, વોન્ટેડ આરોપીઓ ભૂતકાળમાં પણ કોલ સેન્ટર સાથે સંકળાયેલા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.