ગાંધીનગર: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં આયોજિત 69મા ફિલ્મફેર એવોર્ડ્સમાં હાજરી આપી હતી, આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં "ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નિર્માણની વિશાળ સંભાવનાઓ જોવા મળશે." મીડિયાને સંબોધતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, "69મો ફિલ્મફેર એવોર્ડ ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) ગાંધીનગર ખાતે યોજાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતીઓએ ગુજરાતને અગ્રેસર બનાવવા માટે રાત-દિવસ કામ કર્યુ છે અને દરેક ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બનીને ઉભર્યુ છે.
"આપણે ઘણીવાર જોઈએ છીએ કે ફિલ્મફેર એવોર્ડ્સ મુંબઈમાં યોજવામાં આવતા હોય છે. જ્યારે આવું પહેલી વખત બની રહ્યું છે જ્યારે ફિલ્મફેર એવોર્ડ્સ મુંબઈની બહાર ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં યોજાયો. આગામી દિવસોમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ગુજરાતમાં અપાર સંભાવનાઓ જોવા મળશે.
મહત્વપૂર્ણ છે કે, ગાંધીનગરમાં 69માં ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો જેમાં બોલિવુડના ટોચના સ્ટાર સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી, આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.