ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગઈ કાલે વૈશાખી પૂનમની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.પુનમના દર્શન માટે કાળઝાળ ગરમી વચ્ચે પણ ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો.શ્રદ્ધાપૂર્વક રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ભારે ગરમીથી રાહત માટે એક ભાવિક ભક્ત દ્વારા યાત્રિકોને ઠંડા સરબતની સેવા પુરી પાડવામાં આવી હતી.
વહેલી સવારથી દર્શને પહોંચ્યા ભાવિકો: વૈશાખી પૂનમ હોવાથી ગઈ કાલે વહેલી સવારથી જ ભાવિકોનો મહેરામણ દર્શન માટે રણછોડરાયજી મંદિરે ઉમટ્યો હતો.સવારે મંગળા આરતીના દર્શન કર્યા હતા. ગઈ કાલે મંદિરમાં બપોર સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. દર્શન ખુલ્લા રહ્યા ત્યાં સુધી ભાવિકો ભારે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચી રહ્યા હતા.
ભાવિકોને શરબતનું વિતરણ કરાયુ: ડાકોરમાં ગઈ કાલે પૂર્ણિમા હોવાથી ભક્તોની ભીડ ઉમટી હતી, એવામાં ગરમીથી બચવા માટે અનોખી સેવા કરતા ગોધરાના ભાવિક ભક્ત દ્વારા યાત્રિકોને સરબતનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું.અસહ્ય ગરમી વચ્ચે મોટી સંખ્યામાં દર્શને પહોંચેલા ભાવિક ભક્તોએ ઠંડુ શરબત પીને હાશકારો અનુભવ્યો હતો.
પુનમના દર્શનનું વિશેષ મહત્વ : ડાકોર ખાતે પૂનમના દિવસે ભગવાન રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભાવિકો પુનમ ભરવાની માનતા રાખતા હોય છે.જે માનતા પુર્ણ થતા ભાવિકો પૂનમના દિવસે પગપાળા ડાકોર પહોંચી ભગવાનના દર્શન કરે છે.જેને લઈ ડાકોર ખાતે દર પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટે છે. જ્યાં તેઓ રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે.