રાજકોટ : ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં આવેલા ગામોમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગના આશરે 500-600 જેટલા કારખાના છે. GST અને નોટબંધી બાદ સરકારે ઝીંકેલા 18 ટકા ટેક્સને કારણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આ કારખાનાઓ મૃતપાય અવસ્થામાં આવી ગયા છે. આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતાં અનેક પરિવારની રોજી રોટી છીનવાઈ ગયા જેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં સરકાર આ દિશામાં યોગ્ય વિચાર કરી પ્લાસ્ટીકના રીસાયકલીંગ કરતા કારખાનાઓ પર ટેક્સ ઘટાડે તેવી માંગ પણ ઉઠી છે.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા કારખાના : આ વેસ્ટમાંથી બેસ્ટ કરવાના ઉદ્યોગોનું એક માસનું ટર્નઓવર અંદાજે 40 કરોડ થયું હતું. 18 થી 20 હજાર લોકોને સીધી સ્વરોજગારી મળતી હતી, તેમજ અન્ય રોજગારીમાં ટ્રાન્સપોર્ટેશન, રીક્ષા, હોટલ, લેથ વાળા સહિતના પાંચ હજાર વધારાના લોકોને રોજી રોટી પુરી પડતી હતી. હાલ પ્લાસ્ટિક ઉદ્યોગ પર નોટબંધી અને GST નો માર આવતા આ ધંધાઓ પણ મૃતપ્રાય થયા છે.
પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઉદ્યોગ : સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાનનું કાર્ય ધોરાજી અને ઉપલેટાથી થાય છે. ભારતના જુદા જુદ રાજયોમાંથી રોજ 100 થી 150 જેટલા વેસ્ટ પ્લાસ્ટીકના ટ્રકો ધોરાજી, ઉપલેટામાં આવી રહ્યા છે. પરંતુ GST અને નોટબંધીના અમલ બાદ પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઉદ્યોગ મૃત અવસ્થામાં આવી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થતા હાલમાં 100 કરતાં વધારે પ્લાસ્ટિક રિસાયક્લિંગના કારખાનાઓ બંધ થઈ ગયા છે. અમુક કારખાનાઓમાં મંદીના લીધે ઈલેકટ્રીક કનેકશનો કટ કરી નાખ્યા છે અને લોર્ડ ઘટાડ્યા છે.
કારીગરોની સમસ્યાઓ અને માંગ : પ્લાસ્ટિક રિસાયકલના ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારોની હાલત પણ કફોડી છે. અહીં આસપાસના ગામડામાંથી પેટિયું રળવા આવતા કારીગરો છે, જે વર્ષોથી આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. હાલ આ ઉદ્યોગમાં કામ ન હોવાથી પૂરતી રોજગારી ન મળતા ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે સમસ્યા છે. પરિવારના ભરણ પોષણને લઈને પણ કારીગરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને સરકાર પાસે મદદ માગી રહ્યા છે.
મંદીના માર પર ટેક્સનો ભાર : ઉદ્યોગકારનું કહેવું છે કે, આ કામ થકી તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કરે છે. તો તેમની ઉપર તો ટેક્સ નહીંવત અથવા વ્યાજબી હોવો જોઈએ. હાલ તો રિસાયકલ પ્લાસ્ટિક ઉદ્યોગ તમામ બાજુથી ઘેરાઈ ગયો છે. પ્રથમ કોરોના અને હવે યુદ્ધની અસર, વધારામાં ટેક્સનું ભારણ. આ સંજોગોમાં આ ઉદ્યોગકારોને ટકી રહેવા સરકાર કોઈ રસ્તો કાઢે તેની આ ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.