રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 એમ બે દિવસ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત છે. ત્યારે તેઓ 24 તારીખે દ્વારકા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે અને અહીંયા રાત્રે રોકાણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવનાર છે. ત્યારે વડાપ્રધાનની રાજકોટની મુલાકાતને લઈને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ રાજકોટના મેયર બંગલો ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ પીએમ મોદીના સભાસ્થળ એવા રેસકોસ ગ્રાઉન્ડની વિઝીટમાં ગયા હતા. અહીંયા પોલીસ અધિકારીઓ સાથે વિવિધ કાર્યક્રમ બંદોબસ્ત તૈયારીઓની સમીક્ષા તેમણે કરી હતી.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ ટીમને અભીનંદન પાઠવ્યા
આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરથી પોલીસે 50 કિલોથી વધુ હીરોઈનનો જથ્થો પકડી પાડ્યો છે. ત્યારે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે અને આ ડ્રગ્સ પકડવાનું અભિયાન શરૂ કર્યું છે. બે દિવસ પહેલા મેં વિધાનસભામાં પણ કોંગ્રેસના મિત્રોને ડ્રગ્સ અંગેની રાજનીતિ કરવાની ના પાડી હતી. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. જ્યારે પાકિસ્તાનની ગોળીઓ ખાઈને પણ ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. તેમજ પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો પણ પર્દાફાશ ગુજરાત પોલીસે કર્યો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળના બંદરો પરથી પણ ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
હિરોઈન પાછળ ઈરાન-પાકિસ્તાનનું ષડયંત્ર
હર્ષ સંઘવી વધુમાં જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા અને તેમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આ વિસ્તારમાં જે ડ્રગ્સ હતું તેની બાતમી છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ પોલીસને હતી. ત્યારે પોલીસ સંપૂર્ણ બાતમીના આધારે તેની પાછળ હતી. છેલ્લા બે દિવસથી દિવસ અને રાત જાગીને મહેનત કરી અને રૂ.350 કરોડનો હિરોઈનનો જથ્થો ગીર સોમનાથ પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ ડ્રગ્સ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન અને ઈરાન દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું જેને તોડવામાં ગુજરાત પોલીસે મહત્વની કામગીરી કરી હતી. ત્યારે ડ્રગ્સ મામલે આગામી વિગતો જાહેર કરવામાં આવશે.