વડોદરાઃ રાજ્ય સરકારના ગૃહમંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં વડોદરા ખાતે તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા પ્રસ્થાન કરતાં ઠેર ઠેર તિરંગો લહેરાતો નજરે પડ્યો હતો. સંસ્કારી નગરી આજે તિરંગામય બની હતી. બાળકો દ્વારા સૌ પ્રથમ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય અગ્રણીઓ દ્વારા તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
- મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે યાત્રાનું સમાપન
તિરંગા યાત્રા શરૂ થતા ની સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની તથા શહેર-જિલ્લાના તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા કોર્પોરેટરો, શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો આ યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને રાજમહેલ કિર્તિસ્થંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલ કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા થઇ મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને સમાપન કરવામાં આવી હતી.
- બાળકો- વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા
તિરંગા યાત્રાના પ્રસ્થાન કરાવવા માટે તૈયાર કરવામાં આવેલા સ્ટેજના ડોમમાંથી સતત દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેમજ દેશની આઝાદીમાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે, તેવા વીરોની વેશભૂષામાં તૈયાર થઇને આવેલા લોકો હરોળબદ્ધ રીતે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવા માટે જોવા મળ્યા હતા. એક તરફ દેશભક્તિના ગીતો, બીજી તરફ દેશના વીરોની વેશભૂષામાં તૈયાર થઇને આવેલા બાળકો જોવા મળ્યા હતા. હજારોની સંખ્યામાં ઉભેલા શહેરીજનોને લઇને સંસ્કારી નગરી તિરંગાના રંગમાં રંગાઇ હતી. આ તિરંગા યાત્રામાં બાળકો તેમજ વૃદ્ધો અને તમામ વયના લોકો જોડાયા હતા. તમામના ચહેરા ઉપર દેશના ફ્લેગના ટેટુ લગાવવામાં આવ્યા હતા.
- હર્ષ સંઘવીએ ભારત માતા કી જય...નો નારો લગાવ્યો
વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા લાખો લોકોને નિહાળ્યા હોય તેવો ઘાટ ઘડાયો હતો. હર્ષ સંઘવીએ જંગી જનમેદનીને સંબોધતા નારો લગાવ્યો કે, ભારત માતા કી જય……. અને કહ્યું, આ સંસ્કારી નગરી વડોદરાના યુવાનોનો અવાજ અમદાવાદ સુધી ન પહોંચે તેવો ફીકો ન ચાલે. મને તો એમ કે દિલ્હી અને ત્યાંથી લાહોર સુધી અવાજ ગુંજશે. તિરંયા યાત્રામાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેર જિલ્લાના પ્રતિનિધિઓ, યુવાનો તમામને હું વંદન કરું છું. વડોદરા હાઇવેથી અંદર આવતા ગ્રાઉન્ડ સુધી જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઇ રહ્યો હતો. વડોદરાના અભિનંદન અને આભાર માનવા પડે. પીએમ મોદી દ્વારા દેશના વીર જવાનો, તેમના સાહસ તેમના બલિદાનો માટે નાગરિકોને આવાહન કરવામાં આવ્યું. દેશના નાગરિકો ઘર ઘર તિરંગા લહેરાવશો. દેશના જવાનો દેશની સુરક્ષા કરતા હોય બધાને શહાદતોને આપણે સલામી આપતા આપણે તિરંગો લહેરાવીશું. વર્ષોથી કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ચારેયા દિશાઓમાં 8 – 15 ઓગસ્ટ સુધી તિરંગા લહેરાતા નજરે પડે છે.
- CREDAI VNF કાયમ રાષ્ટ્ર સમર્પિત કાર્યક્રમો
હર ઘર તિરંગાના ભાગરૂપે વડોદરાને તિરંગામય કરવા ઉત્સુક છે, ત્યારે વિશ્વ ફલક પર ગરબાને સ્થાન આપવામાં CREDAI VNF એક મહત્વનું યોગદાન આપ્યું છે. CREDAI VNF કાયમ રાષ્ટ્ર સમર્પિત કાર્યક્રમોમાં અગ્રેસર રહ્યું છે. હર ઘર તિરંગાના ભાગરૂપે લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ, સનફાર્મા રોડ પર, CREDAI VNFના આયોજકો અને તમામ મેમ્બરો દ્વારા આ કાર્યક્રમ માટે તિરંગા વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો. જેમાં વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોશી એક ટીમ મેમ્બર તરીકે ઉપસ્થિત રહી સમગ્ર CREDAI VNF પરિવાર સાથે ઘર ઘર તિરંગા માટે શપથ લીધા હતા.