વલસાડ : વલસાડ જિલ્લો બહુધા આદિવાસી ક્ષેત્ર છે, જ્યાં હોળીના તહેવારનું અનેરુ મહત્વ છે. આદિવાસી ક્ષેત્રમાં મજૂરી કામ અર્થે જતા લોકો હોળીના તહેવારમાં પોતાના ઘરે પરત ફરતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મજૂરીના પૈસાથી હોળીના દિવસો દરમિયાન ભરાતા હાટ બજારમાં પોતાના પરિવાર સાથે ખરીદી કરવા માટે ઉમટે છે. આદિવાસી પરંપરા મુજબ ભવાની નૃત્ય અને ઘોડી નૃત્ય કરતા લોકોને કંકુ ચોખાના તિલક કરી ફાગ આપવાની પરંપરા છે.
હોળીનું હાટ બજાર : હોળીના પર્વ પૂર્વેના અઠવાડિયાના વિવિધ દિવસોમાં વિવિધ ગામોમાં હાટ બજાર ભરાતો હોય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો અનાજ, રાશન, કપડાં અને બાળકો માટેના રમકડા સહિત વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી પડે છે. આ હોળીના હાટનું આકર્ષણ અહીંના આદિવાસી નૃત્યો છે, જે હોળીના હાટમાં જોવા મળે છે. ધરમપુરમાં ભરાતા હોળીના હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ભવાની નૃત્યનું આકર્ષણ : હોળીના દિવસોમાં ભરાતા હાટ બજારમાં મહારાષ્ટ્રના વની ખાતે આવેલા સપ્તશૃંગી માતાજીને આદિવાસી સમાજના લોકો ભવાની માતા તરીકે પૂજે છે. ઉપરાંત તેમનું પૂતળું બનાવી હાથમાં ઊંચકી બજારમાં આદિવાસી પરંપરાગત વાદ્યો સાથે નૃત્ય કરતા જોવા મળે છે. હાટ બજારમાં આવતા જતા લોકો નૃત્ય કરનારા લોકોને કંકુ ચોખાનું તિલક કરી તેમની થાળીમાં હોળીનો ફાગ મૂકે છે.
ફાગ આપવા પાછળની માન્યતા : હોળીના હાટ બજારમાં પરંપરાગત નૃત્ય કરતા ભવાની નૃત્ય કે ઘોડી નૃત્ય કરતા લોકોને કંકુ ચોખાના તિલક કરી ફાગ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે ફાગ આપનારાના ઘર પરિવારના લોકો સમગ્ર વર્ષ દરમિયાન તંદુરસ્ત રહે છે અને સુખ સમૃદ્ધિ વધે છે. જેના કારણે હાટ બજારમાં આવતા આદિવાસી સમાજના મોટાભાગના લોકો નૃત્ય કરનારાઓને 10 રૂપિયા, 20 રૂપિયા કે 50 રૂપિયા જેવો હોળીનો ફાગ આપતા હોય છે.
વિશેષ ઘોડી નૃત્ય : લાકડાના બે પાયા ઉપર પગ બાંધી ઘોડી આકારનું મુખોટુ સાથે હાટ બજારમાં નૃત્ય કરતા લોકો દેખાય છે. આ ઘોડી નૃત્યને લોકો ખૂબ પવિત્ર માને છે. એવી માન્યતા પણ છે કે નાના બાળકોને નૃત્ય કરનારના ખોળામાં બેસાડી નૃત્ય કરાવવાથી અચાનક ઊંઘમાંથી ચમકીને જાગી જતું બાળક ચમકતું બંધ થઈ જતું હોય છે. એવી કેટલીક બાળકોની નાની મોટી બીમારી ઘોડી નૃત્ય કરનારાને આપી બાળકો નચાવવાથી બંધ થઈ જતી હોવાની માન્યતા છે. સાથે જ હોળી ફાગ પણ તેમને આપવામાં આવે છે.
હાટ બજારનું મહત્વ : હોળીના દિવસો પહેલા ધરમપુરમાં દરબાર ગઢ કમ્પાઉન્ડમાં ભરાતું હાટ બજાર તેમજ કપરાડાના સુથારપાડા ખાતે ભરાતા હાટ બજાર આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. હોળી નજીક આવતા જ મજૂરી કામ અર્થે નાસિક, સુરત, વલસાડ અને વાપી જેવા શહેરોમાં ગયેલા અનેક આદિવાસી સમાજના લોકો પોતાના પરિવાર સાથે હાટ બજારમાં ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે. જેથી હોળીનો હાટ ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે.
આદિવાસી વાદ્ય સાથે પરંપરાગત નૃત્ય : હોળીના હાટ બજારમાં ઘોડી નૃત્ય હોય કે ભવાની નૃત્ય હોય, આ બંને આદિવાસી વાદ્ય સાથે પરંપરાગત રીતે હાટ બજારમાં જોવા મળે છે. જેમાં શરણાઈ હોય કે સાથે તુર, થાળી, ઢોલ, માદળ જેવા વાદ્ય જોવા મળે છે. આમ હોળી પૂર્વે અઠવાડિયાના સાત દિવસો દરમિયાન અલગ અલગ ગામોમાં ભરાતા હાટ બજાર આદિવાસી સમાજમાં આકર્ષણનું કેન્દ્ર છે. લોકો તેમાં મહાલવા માટે પોતાના પરિવાર સાથે ઉમટી પડે છે.