જૂનાગઢ : હોળીની જ્વાળા પરથી આવનારું વર્ષ, વરસાદ અને કૃષિ પાકનો વર્તારો મળે છે. ત્યારે આ વર્ષ સારું હોવાનું અનુમાન સૌરાષ્ટ્રના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોએ વ્યક્ત કર્યું છે. આ વર્ષે હોળીની ઝાળ પરથી દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારનું પ્રાથમિક અનુમાન છે કે, આવનારું વર્ષ અલ નીનોની અસર વિહીન તેમજ ચોમાસા દરમિયાન સારા વરસાદ અને કૃષિ પાકોને લઈને સારું રહેશે.
હોળીની જ્વાળાનું વિજ્ઞાન : દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા દર વર્ષે કુદરતી સંકેત પરથી ચોમાસાનો વરસાદ અને કૃષિ પાકને લઈને અનુમાન લગાવવાની પ્રાચીન પરંપરા છે. દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયાનું અનુમાન છે કે, આ વર્ષે પણ હોળીની ઝાળ અને અન્ય કુદરતી સંકેત પરથી આવનાર વર્ષ ચોમાસાના વરસાદ અને કૃષિ પાકો માટે સારું રહેશે.
આ ચોમાસુ કેવું રહેશે ? હોળી પ્રગટ્યા બાદ પશ્ચિમથી પૂર્વ તરફનો પવન જોવા મળ્યો હતો. જેને ચોમાસાના સારા વરસાદ તેમજ ત્યારબાદ કૃષિ પાક માટે સારો માનવામાં આવે છે. દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારનું અનુમાન છે કે, આ વર્ષનું ચોમાસુ 25 જૂનની આસપાસ શરૂ થશે. આ વર્ષે વરસાદ અને કૃષિ પાકોનું ચિત્ર પણ સારું હોવાનું અનુમાન હોળીની ઝાળ પરથી વ્યક્ત કર્યું છે.
શું છે કુદરતી સંકેત ? દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયા પાછલા ઘણા વર્ષોથી કુદરતી સંકેત પરથી આગાહી કરે છે. જેમાં હોળીની ઝાળ, અખાત્રીજનો પવન, લીમડાનો મોર, આંબાની પરિસ્થિતિ, બોરડીમાં બોરની સંખ્યા અને તેનો સમયગાળો જોવામાં આવે છે. આ સિવાય આકાશી ગર્ભ અને ચૈત્ર મહિનાના દાનૈયાઓ પરથી પણ આગામી ચોમાસાની ઋતુ અને સમગ્ર વર્ષ ધન-ધાન્ય અને વરસાદ માટે કેવું રહેશે તેને લઈને પણ સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે.
અખાત્રીજના પવન શું કહે છે ? આ વર્ષે હજુ અખાત્રીજના પવન પરથી ચોમાસુ અને આવનારું વર્ષ કેવું નીકળશે તેનો એક વરતારો રજૂ થશે. પરંતુ હોળીના દિવસે પવન અને હોળીની ઝાળની જે સ્થિતિ જોવા મળી હતી તે મુજબ આગામી વર્ષ ધન-ધાન્ય અને વરસાદ માટે સારું હોવાનું સંકેત આપી રહ્યું છે.
અલ નીનોની વિદાય : વિશ્વની હવામાન એજન્સીઓ દ્વારા પણ અલ નીનોના વર્ષની વિદાય થઈ રહી છે, તેવા સંકેત અને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણની પ્રતિકૂળતા અને ઋતુઓમાં અસંખ્ય ફેરફારો જોવા મળતા હતા. આ વર્ષે શિયાળા દરમિયાન ઠંડીનું એકદમ નહિવત પ્રમાણ અલ નીનોની અસરને કારણે થયું હતું.
લા નીનોની અસર : આ વર્ષે પૂર્ણ થશે અને લા નીનોની અસર શરૂ થશે, જેના કારણે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થવાની સાથે કૃષિ પાકો માટે પણ આવનારું વર્ષ ખૂબ સારું નિવડે તેવી સંભાવનાઓ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયાએ વ્યક્ત કરી છે.