રાજકોટ: જિલ્લાના કાલાવડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વૃધ્ધાને કાર નીચે સાડા ત્રણ કિલોમીટર ઘસડી કચડી નાખી આરોપી ચાલક નાસી ગયો હતો. તાલુકા પોલીસ દ્વારા કાર ચાલકને ઝડપી લીધો છે.
અર્ટિકા કારના ચાલકે ટક્કર મારી: ઘટનાની મળતી વિગત મુજબ જાણવા મળે છે કે, કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં કણકોટ ગામે રહેતા વિજયાબેન બીજલભાઈ બથવાર કે જેઓ કચરો વિણવા રસ્તા પર નીકળ્યા હતા. તે જ સમયે અર્ટિકા કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. ઉપરાંત કારના હડફેટે ચડેલ વૃદ્ધ વિજયાબેન ત્રણ કિલોમીટર સુધી કાર સાથે ઘસડાયા હતાં. પરિણામે તેમની મૃત્યુ થઈ હતી.
બેદરકારીથી કાર ચલાવવા બદલ ગુનો નોંધ્યો: આ ઘટનામાં તાલુકા પોલીસે મૃતકના પુત્ર જગદીશભાઈ બીજલભાઈ બથવારની ફરિયાદના આધારે બેદરકારીથી કાર ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો . જેમાં અકસ્માત સર્જનાર કારના ચાલકની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કાર ધોરાજીના સતિષભાઈ કાંતિભાઈ સિંધવની છે. તાલુકા પોલીસે કારના માલિક સતિષ સિંધવને ઘટના બાબતે પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, તે પોતે મૂળ જૂનાગઢના વતની છે અને કાર પણ ત્યાંની જ છે. જે હાલ મેટોડા રહેતા તેના બનેવી જયેશ કિશોર દવેરા લઈ ગયા હતા.
BNSની કલમ 238, 105 હેઠળ ગુનો દાખલ: તાલુકા પોલીસ બાતમી મળતા તેમણે જયેશ દવેરાની ધરપકડ કરી હતી. આ અંગે dcp ઝોન-2, જગદીશ બાગરવા જણાવ્યું હતું કે, કાર ચાલકે ગાડી સ્પીડમાં ચલાવતો હતો પકડાઈ જવાના ડરે અકસ્માત સર્જી નાસી છૂટ્યાની કરી કબુલાત આપી હતી. ઉપરાંત પુરાવા નાશ કરવા બદલ BNSની કલમ 238 તેમજ બેદરકારી બદલ BNSની કલમ 105 નો ઉમેરો કરી ગુનો દાખલ કરવામાં આવશે.