નવસારી: છેલ્લા બે દિવસથી નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. નવસારી સહિત ઉપરવાસમાં પણ સારો વરસાદ રહેતા નવસારીની નદીઓમાં ફરી નવા નીર આવ્યા છે.
પૂર્ણા નદીમાં નવા નીર: પૂર્ણા નદીની સપાટીમાં આજે સવારથી વધારો થતા નવસારી તાલુકાના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થયો હતો. સાથે જ વાહન વ્યવહાર બંધ થવાના કારણે કુરેલ સહિત સામે કાંઠાના પાંચથી વધુ ગામના લોકોને લાંબો ચકરાવો મારવાનો વારો આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે કુરેલ ગામમાં અંદાજે 100 વીઘા જમીનમાં પૂર્ણાના પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે ફરી પૂર્ણાં નદીનું જળસ્તર વધતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ઠેરઠેર બસ, જળબંબાકાર: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સીધી અસર લોકમાતાઓમાં થઈ છે. જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી ત્રણેય નદીની સપાટીમાં વધારો થયો છે. અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બીલીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બીલીમોરા શહેરના કાવેરી વિસ્તારના દેસરા અને કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા તંત્ર દોડતું થયું છે.
જનજીવન અસ્તવ્યસ્ત: પાંચ દિવસ પહેલા પૂર્ણા નદીએ નવસારી શહેરને પાણીથી તરબતર કરી દીધું હતું. સાથે જ દોઢ લાખથી વધુ લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. હવે અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બીલીમોરા શહેરમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. કાવેરી નદી 15 ફૂટ વટાવી જતા દેસરા વિસ્તારમાં 30થી વધુ ઘરોમાં પાણી ભરાયા અને 150 થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા છે.
નદીઓની જોખમી જળસપાટી: અંબિકા નદીની સપાટી વધતા રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સમગ્ર બીલીમોરા નગરપાલિકા વિસ્તારના નદીકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર જિલ્લા તંત્ર કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી પર નજર રાખી રહ્યું છે.
વહીવટી તંત્ર દોડતુ થયું: એક તરફ વરસાદ વધ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે લોકોને સીધી અસર થઈ રહી છે. સાથે નદીના જળસ્તરમાં વધારો થતા પાણી ભરાવાની પણ શરૂઆત થતા તંત્ર દોડતું થયું છે. નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીઓના કારણે બીલીમોરા શહેરમાં વધુ વિસ્તારમાં પાણી ભરાય તેવી શક્યતાને પગલે તંત્ર સાવધાનીના પગલાં લઈ રહ્યું છે.
સમગ્ર મામલે ટેલીફોનિક વાતચીતમાં બીલીમોરાના ચીફ ઓફિસર મિત્તલ ભાલાલાએ જણાવ્યું હતું કે, "હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે તમામ વ્યવસ્થા કરી દીધી છે. નદીઓની સપાટી પર અમારી નજર છે, નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.છાની હકીકત ? ચીફ ઓફિસર દ્વારા કામગીરી અંગે ઉપરછલ્લી માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવા માટે તૈયાર ન હતા."