નવસારી: નવસારીમાં હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગત રાતથી નવસારીના વાંસદા અને ખેરગામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. ખેરગામમાં 11 ઇંચ અને વાંસદામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રે 12 થી સવારે છ વાગ્યા સુધીના 6 કલાકમાં જ ખેરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબોચ્યો હતો. નવસારી સહિત ઉપરવાસના જિલ્લા ડાંગ, સુરતના મહુવા અને તાપીના વાલોડમાં પણ ભારે વરસાદથી નવસારીની લોકમાતા પૂર્ણાનું જળસ્તર વધ્યું છે. હાલ પૂર્ણા 17 ફૂટે વહી રહી છે. જેથી એક મહિના બાદ ફરી નવસારીમાં પૂરની સ્થિતિ બને એવી શક્યતા વધી છે. નદીની જળસપાટીમાં વધારો થતાં તંત્ર પણ સતર્ક બન્યું છે. નવસારીમાં બે દિવસોથી વરસાદી માહોલ બનતા છેલ્લા થોડા દિવસોથી વધેલી ગરમીથી નવસારીજનોને રાહત મળી છે.
પૂર્ણા નદીના પાણી ભયજનક સપાટી વટાવી ચુક્યા છેઃ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યા છે નવસારીની પૂર્ણા નદી 25 ફૂટ થી ઉપર રહેતા ભયજનક સપાટી વટાવી ચુકી છે. જેથી શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરના ભેંસતખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરાય છે. જ્યાં ઘરોમાં પાણી ભરાતા માણસોએ સુરક્ષિત સ્થળે ખસવાની નોબત આવે છે ત્યાં બેસત ખાડામાં આવેલા બે નાના માતાજીના મંદિરમાંથી પણ લોકોએ માતાજીની પ્રતિમાઓ સુરક્ષિત સ્થળે ખસેડી છે. મંદિરમાં પાણી ભરાતા માતાજીની પ્રતિમાઓ પાણીમાં ડૂબી જાય છે અને પ્રતિમાને નુકસાન થવાની ભીતિ હોવાથી સ્થાનિકો પુર આવતા જ માતાજીની પ્રતિમાને પોતાના ઘરના ઓટલે કે પ્રથમ માળ સુધી લઈ જાય છે.
કોંગ્રેસ નારાજઃ બીજી તરફ એક મહિના અગાઉ 26 જુલાઈએ પૂર્ણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું એ સમયે તંત્ર દ્વારા બેસત ખાડામાં સર્વે કરી કેશ ડોલ આપવા માટે તૈયારી કરી હતી પરંતુ મહિનો વિતવા છતાં વિસ્તારના સાંઠથી વધુ ટકા પરિવારોને કેશ ડોલ મળી નથી. જેથી પૂર આવ્યા બાદ આવતી કોંગ્રેસ પૂરની શરૂઆત થતા પહોંચી અને લોકોની સમસ્યા જાણી તંત્રની મોટી મોટી વાતો સામે સવાલો ઊભા કરી અસરગ્રસ્તોને વહેલામાં વહેલી કેશ ડોલ સહાય મળે એવી માંગણી ઉચ્ચારી છે, નહીં તો આગામી દિવસોમાં કલેકટર કચેરીનો ઘેરાવ કરી વિરોધ કરવાની તૈયારી પણ દર્શાવી છે. સાથે જ વિસ્તારના સાંસદ લોકોની સમસ્યાને ધ્યાને લે અને વહેલામાં વહેલી કેસ ડોલ સહાય ચૂકવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
નવસારી જિલ્લામાં પડેલા વરસાદને લઈને જિલ્લા કલેકટરે આપી માહિતીઃ નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટા ના તાલુકાઓમાં ગત મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ બની છે કાવેરી 19 ફૂટની તેની ભયજનક સપાટી ઉપર પહોંચી છે અને નીચાણ વાળા વિસ્તારોમાં કાવેરીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે. ચીખલીના રિવરફ્રન્ટ ખાતે રોદ્ર સ્વરૂપ અહલાદક લાગી રહ્યું છે. રિવરફ્રન્ટ પર નદીના જળસ્તર જોવા આવતા સહેલાણીઓ નદી સુધી ન પહોંચે એ માટે ચીખલી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત મોડી રાતે બાર વાગ્યાથી નવસારીમાં ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે આજે બપોરે 12:00 વાગ્યે પુરા થતા 12 કલાકમાં ખેરગામ તાલુકામાં 15 ઇંચ વરસાદ જીકાયો છે જેની સાથે વાંસદા અને ડાંગ જિલ્લાના સાપુતારા આહવા વઘઈમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની સ્થિતિ વિકટ બને એવી શક્યતા જોવાઈ રહી છે. વરસાદ ધીમો ન પડે તો નદીઓ હજી ગાંડી થશે અને નીચાણ વાળા વિસ્તારોમાં પ્રવેશી વિનાશ નોતરશે એવી એવી સંભાવના જોવાઈ રહી છે. જિલ્લા તંત્ર દ્વારા પણ નદીઓની સ્થિતિ ઉપર સતત થાતી નજર રાખી વેચાણ વાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામની ઘટનાઃ ચરી ગામમાં ભર વરસાદમાં નીકળી સ્મશાનયાત્રા, સ્મશાન જતાં માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે સબવહિણી નહીં પહોંચી શકતા લોકોએ જાતે કાંધ આપી હતી. લોકોએ પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢી ગામના ઉખરીયા ખાડી પર આવેલા અંતિમધામમાં વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
બીલીમોરા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ: નવસારીના આદિવાસી પટ્ટાના તાલુકાઓ તેમજ ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીના બીલીમોરા શહેર ના નિશાળ વાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. શહેરના દેસરા વિસ્તાર અંતર્ગત આવેલા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોએ સ્થળાંતર માટેની તૈયારી કરી છે. ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં ઘરવખરી સહિત જરૂરી સામાન માળીએ ચઢાવવાની ફરજ પડી છે. સતત ત્રીજીવાર પૂરની સ્થિતિ બનતા લોકોને મોટું આર્થિક નુકસાન ઉઠાવવા પડ્યું છે. મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારને પૂરને કારણે ઘરવખરીના નુકસાનની સ્થિતિ વેઠવી પડી છે. અત્યારે નજીકમાં આવેલા વાઘરેજ ડેમની સરક્ષણ દીવાલમાંથી પાણી વહેલું નીકળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી લાગણી વિસ્તારના લોકો વ્યક્ત કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે લોકમાતા ગણાતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. જેને લઈને નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. પૂર્ણ નદીનું પાણી નવસારી શહેરના પાંચ જેટલા વિસ્તારોમાં પ્રવેશી ચુક્યું છે. જેનાથી 10000થી વધુ લોકો પ્રભાવિત બન્યા છે, બીલીમોરા શહેરમાં કાવેરી અને અંબિકા નદીનું પાણી દેસરા વિસ્તારમાં પ્રવેશતા 500 થી વધુ ઘરોને સીધી અસર થઈ છે. જિલ્લામાં 70 થી વધુ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ઓવર ટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ડાંગ તાપી અને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે જળ સપાટી હજુ વધી શકે તેવી શક્યતાઓને પગલે નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.