પોરબંદર: ગુજરાત હવામાન વિભાગ દ્વારા 27 જૂનથી એક જુલાઈ સુધી પાંચ દિવસ દરમિયાન ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આથી દરિયાકાંઠાના વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં ઝખો, માંડવી, કચ્છ, મુન્દ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરમાં તથા દક્ષિણ ગુજરાતમાં મૂળ દ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, ભરૂચ, દહેજ, ભાવનગર, અલંગ મગદલ્લા અને દમણ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયા ન ખેડવાની સુચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કોઈ જાનહાની ન થાય તે માટે NDRFની ટીમ પણ સતર્ક કરાઈ છે. ત્યારે આગામી પાંચ દિવસમાં લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આજ સવારથી વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક: પોરબંદર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળા બંધાતા હતા પરંતુ વરસાદ ન આવતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે ગત રાત્રિના રોજ અને આજે સવારે વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. હવામાન વિભાગના આંકડા મુજબ પોરબંદર તાલુકામાં આજના દિવસે 6 mm તથા રાણાવાવ તાલુકામાં 10 mm અને કુતિયાણા તાલુકામાં પણ 10 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સીઝનનો કુલ વરસાદની વાત કરીએ તો પોરબંદર તાલુકામાં 99 mm, રાણાવાવ તાલુકામાં 82 mm અને કુતિયાણા તાલુકામાં 16 મીલીમીટર વરસાદ નોંધાયો છે.
સામાન્ય વરસાદમાં પાણી ભરાયા: પોરબંદર શહેરમાં હજુ તો સામાન્ય વરસાદ થયો છે. ત્યાં તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો ઉઠી છે, અને વરસાદના પાણી ભરાઈ જતા કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. ત્યારે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે લોકોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ બાબતે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું કે તાજેતરમાં પોરબંદર શહેરમાં ગેસ લાઇન અને ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે પોરબંદરના અમુક વિસ્તારોમાં ખાડા ખોદેલ છે જેમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની છે. તેમજ પાલિકાના એન્જિનિયર અને સેનિટેશન વિભાગને જાણ કરવામાં આવી છે અને તપાસ અંગે કાર્યવાહી માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરની લાઈનનું કામકાજ પૂર્ણ થતા નવા રોડ બનાવવામાં આવશે અને હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે.