દમણ/ઉમરગામ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રવિવારે એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉમરગામ તાલુકામાં પણ 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય મધુબન ડેમના 6 દરવાજા ખોલી હાલ 14,776 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યાારે આજે મંગળવારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ શાળા,કોલેજ, ITI બંધ રાખવાની કલેકટરે જાહેરાત કરી છે.
અતિભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે તા.૨૩/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
— Collector Valsad (@collectorvalsad) July 23, 2024
ગુજરાતના વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં હવામાન વિભાગની આગાહી બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચ થી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે. વલસાડ તાલુકામાં પણ 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 50 ઇંચ એટલે કે અડધી સદી થયો છે.
આ તરફ કેન્દ્રશાસિત દમણ અને દાદરા નગર હવેલીની વાત કરીએ તો, દમણમાં અને સેલવાસમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ દમણમાં 48 ઇંચ જ્યારે સેલવાસમાં 46 ઇંચ થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય મધુબન ડેમના 6 દરવાજા ખોલી હાલ 14776 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.
દમણમાં ભારે વરસાદ સાથે દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા છે. દરિયાના પાણીમાં ન્હાવા નહિ જવા દમણ પ્રશાસને દરેક પ્રવાસીઓને અપીલ કરી છે. દમણના દરિયા કિનારે વરસાદની સાથે ઉછળતા મોજાને જોવા પર્યટકો વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતાં.
ભારે વરસાદને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ઉમરગામ તાલુકામાં પણ જનજીવન થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં દમણમાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો દમણમાં 24 કલાકમાં કુલ 158 mm એટલે કે છ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે પાછલા 24 કલાકમાં સેલવાસની વાત કરીએ તો સેલવાસમાં 6.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 206 mm એટલે કે 8 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. વાપીમાં 24 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પારડી તાલુકામાં 24 કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લાના અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ ભારે વરસાદથી નવા નીર આવ્યા છે. મધુબન ડેમમાં હાલ પાણીની સપાટી 72.15 મીટર પર સ્થિર છે. ડેમના ઉપરવાસમાથી 14776 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. જેના નિકાલ માટે 6 દરવાજા 0.60 મીટર ખોલી 14776 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે.
વરસાદી માહોલને કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે. સોમવારે પણ વલસાડ જિલ્લામાં અને દમણ, સેલવાસમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જે જોતા બાકીના તમામ તાલુકાઓમાં પણ આગામી 24 કલાકમાં સિઝનનો અડધી સદી વરસાદ નોંધાઈ શકે છે.