કચ્છ: ગુજરાત રાજ્યના સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે, અને ચાર બાળકોનો ભોગ પણ લેવામાં આવ્યો છે. ત્યારે નવા વાયરસને લઈને રાજયના અનેક જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે, અને આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
બાળકોને આ વાયરસ શિકાર બનાવે છે: કચ્છ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રવીન્દ્ર આર. ફુલમાલીએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મુખ્યત્વે રાજ્યના સાબરકાંઠા, દહેગામ અને અરવલ્લી વિસ્તારમાં આ ચાંદીપુરા વાયરસનાં કેસ જોવા મળી રહ્યા છે. કચ્છ જીલ્લામાં કોઈ કેસ અત્યાર સુધી નોંધાયો નથી. 0થી 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસ શિકાર બનાવે છે. આ વાયરસનાં લક્ષણોમાં શરૂઆત મુખ્યત્વે તાવ આવવાથી આવે છે. આ ઉપરાંત આગામી સપ્તાહમાં 14 વર્ષથી ઓછી વયના બાળકોને શિકાર બનાવતા વાયરસ અંગે ઉપલબ્ધ માહિતીનું આદાન પ્રદાન કરવા જીલ્લા આરોગ્ય તંત્ર અને ઈન્ડિયન એસોસીએશન ઓફ પીડિયાટ્રીશીયનની એક બેઠક પણ યોજવામાં આવશે. જેમાં વિગતવાર ચર્ચાઓ પણ કરવામાં આવશે.
આરોગ્ય તંત્રની ટીમને ફીવર બાબતે પણ સર્વે કરવા સૂચનો: આ વાયરસ જન્મથી 14 વર્ષ સુધીના બાળકોને સંક્રમીત કરી રહ્યું છે. રાજ્યના આદિવાસી વિસ્તારમાં પણ આ વાયરસના કેસ જોવા મળ્યા છે. ચાંદીપુરા વાયરસને લઈને રાજયના દરેક જિલ્લાઓમાં આરોગ્ય તંત્રે સર્વે શરૂ કર્યો છે. જેમાં કચ્છ જિલ્લામાં ફીવરનો સર્વે કરતા ફિલ્ડ સ્ટાફને પણ જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે અને ચાંદીપુરા વાયરસને લઈ કચ્છનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે.
કેવા હોય છે આ વાયરસના લક્ષણો: આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જીલ્લામાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી.આ ઉપરાંત હાલમાં ચોમાસુ સીઝન દરમ્યાન ફીવરની સર્વે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં પણ આ વાયરસ સબંધિત લક્ષણો ધરાવતા બાળકોની નોંધ લેવા માટે પણ આરોગ્ય ટીમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. આ વાયરસનાં લક્ષણોમાં ફીવરની સાથે બાળકોમાં ખેંચ, મગજનો તાવ વગેરે જેવા લક્ષણો પણ દેખાતા હોય છે ત્યારે આવા કિસ્સામાં જરૂરી પગલાં લેવા સૂચનો પણ આપવામાં આવ્યા છે.
- વાયરસનો ઈતિહાસ: ચાંદીપુરા વાયરસનાં ઈતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 1966માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના ચાંદીપુરા વિસ્તારમાં દેખાયો હતો જેથી તેનું નામ ચાંદીપુરા રાખવામાં આવ્યું છે. મુખ્યત્વે આ વાયરસનાં કેસો આદિવાસી વિસ્તારમાં જોવા મળતા હોય છે. વર્ષ 2004 થી 2006 અને 2019માં આ વાયરસનાં કેસ જોવા મળ્યા હતા. ચાંદીપુરા વાયરસ એ એક RNA વાયરસ છે, જે મોટેભાગે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાતો હોય છે. આ વાયરસનાં ભોગ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો બને છે અને તેનો મૃત્યુદર પણ સૌથી વધુ રહેતો હોય છે.
ચાંદીપુરા વાયરસ લક્ષણો
- ચાંદીપુરા વાયરસના ચેપથી માઇક્રોગ્લિયલ કોષોમાં આરએનએ-21ની સંખ્યા વધવા લાગે છે
- આ વાયરસનાં કારણે મગજમાં સોજો આવે છે અને મગજમાં તાવ ચડી જાય છે.
- તાવ, ઉલ્ટી, ખેંચ અને ઘણી માનસિક બીમારીઓ પણ આ વાયરસનાં કારણે થવા લાગે છે.
- આ વાયરસનાં કારણે દર્દી કોમામાં પણ જઇ શકે છે.
- આ વાયરસ જીવલેણ છે જે મોટાભાગે 0થી 14 વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે.
ચાંદીપુરા વાયરસ સામે તકેદારી : ચાંદીપુરા વાયરસમાં એન્સેફિલાઇટીસ નામનો તાવ આવે છે. માટે જ્યારે બાળકોને પ્રારંભિક તબક્કામાં તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઈએ અને જરૂરી રીપોર્ટસ પણ કરાવવા જોઈએ.આ વાયરસનાં ફેલાવો મચ્છર તેમજ સેન્ડફ્લાય એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી પણ થતો હોય છે માટે આ માખીનો નાશ કરવો જરૂરી છે.