બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક ચીખલા રોડ ઉપર ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા ટ્રેલર પલટી મારી ગયું હતું. જેથી ટ્રેલરમાં ભરેલ હરિયાણા સરકારના સિમ્બોલ વાળા ઘઉંના કટ્ટા રોડ પર વિખેરાયા હતા. જોકે આ કટ્ટા જોતા તેના પર ગવર્મેન્ટ ઓફ હરિયાણાનુ લખાણ જોવા મળતા સ્થાનિક તંત્રને જાણ કરાઈ હતી. જોકે સ્થાનિક તંત્ર ન પહોચતા ત્યારબાદ કલેકટરને જાણ કરાયા બાદ તંત્ર દોડતું થયું હતું અને ઘટનાસ્થળે દાંતા મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમ પહોચી હતી.
અંદાજે 42 ટન ઘઉંના કટ્ટાનો જથ્થો પ્રાપ્ત: ટ્રેલરમાં તપાસ કરતા અંદાજે 42 ટન એટલે કે મોટી માત્રામાં ઘઉંના કટ્ટાનો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે રાજસ્થાન પાર્સિંગ ટ્રેલરમાં હરિયાણા સરકારના લખાણ વાળો એટલે કે સરકારી ઘઉંનો આટલો મોટો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં થઈને ક્યાં લઈ જવાતો હતો તે એક મોટો સવાલ છે.
પુરવઠા વિભાગની કામગીરી : આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેલર પલ્ટી મારી જતા આ મામલો સામે આવ્યો છે, 41 ટન અંદાજે જથ્થો છે. હાલમાં ડ્રાઈવરને પૂછતા તે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યો નથી. જેથી મામલતદાર દ્વારા જથ્થો સિઝ કરી હાલમાં ગોડાઉનમાં મુકાયો છે, નોટિસ આપી કન્સલ્ટ પાસે તેના આધાર પુરાવા માંગવામાં આવશે, કલેકટર દ્વારા તે સાંભળવામાં આવશે અને જે બાદ આગળની કાર્યવાહી કરાશે.
ટ્રેલર ચાલકની પુછપરછ કરાઈ: આ બાબતે ટ્રેલર ચાલકને પૂછપરછ કરતા તેના અલગ અલગ જવાબો સામે આવ્યા હતા અને આ બાબતે કોઈ જ સ્પષ્ટતા ચાલક હજુ સુધી આપી શક્યો નથી. જેથી આ સરકારી ઘઉંનો જથ્થો હાલ તો શંકાસ્પદ હાલતમાં સમજીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેલર પલટી મારી જતા રોડ પર ઘઉંના કટ્ટા વિખેરાયા હતા. ત્યારે આ સમયે વરસાદ ચાલુ થતા અનાજનો જથ્થો વધુ ના બગડે તે માટે તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી.
તંત્રએ તપાસ શરુ કરી: સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટ્રેલરમાં આશરે 900 જેટલા ઘઉંના કટ્ટા ભરેલા હતા. આટલી મોટી માત્રામાં સરકારી ઘઉંનો જથ્થો અન્ય રાજ્યોમાંથી બનાસકાંઠા સુધી કેવી રીતે પહોંચ્યો તે એક અણીયાળો સવાલ છે. હવે તંત્રની તપાસમાં કેવા ચોકવાનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.