આણંદ: જિલ્લાની કલેકટર કચેરી બહાર મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. જ્યાં હતી ભક્તો દ્વારા વડતાલ મંદિરના કેટલાક સાધુઓના વાઇરલ થયેલા વિડિઓ અને તેના કારણે હરિભક્તોની દુભાતી લાગણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ચરોતર પંથકના હરિભક્તો બપોરના સમયે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લાના વડા એવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ: મોટી સંખ્યામાં ઉમટી આવેલ હારી ભક્તોએ આવેદનપત્રમાં સ્પષ્ટપણે માંગણી લખી હતી કે, 'વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે અને થોડાક સમય પહેલા વડતાલ પોલીસ મથકે થયેલી ફરિયાદને રદ કરવામાં આવે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'વડતાલ મંદીર તરફથી થયેલ ફરિયાદ તે હરિભક્તને દબાવવા માટેનું આયોજન છે.' આમ નોંધવામાં આવેલ ફરિયાદને ભક્તો દ્વારા ખોટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સંપ્રદાય બચાવોના' નારા: કલેકટર કચેરીની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તો દ્વારા સૌ પ્રથમ તો સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ 'લંપટ સાધુઓને હટાવો, સંપ્રદાય બચાવોના' નારા સાથે 'નૌતમ સ્વામીના હાય હાયના' નારા લગાવ્યા હતા. હરિભક્તોને નૌતમ સ્વામી વિશે પૂછતા તેમને જણાવ્યું હતું કે, 'સંપ્રદાયને બદનામ કરતા આ લંપટ સાધુઓને નૌતમ સ્વામી છાવરે છે.'
નિર્દોષ લોકો સામે પોલીસ એફ.આઇ.આર: રોષે ભરાયેલા હરિભક્તો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે, આટલો મોટો વિવાદ થયો તેમ છતાં પણ સંપ્રદાયના સત્તાધીશો દ્વારા આ તમામ બાબતો પર કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. ઉપરાંત રજૂઆત કરવા ગયેલા નિર્દોષ લોકો સામે પોલીસ એફ.આઇ.આર કરવામાં આવી છે. આથી નિર્દોષ હરિભક્તો સામે થયેલી આ એફ.આઇ.આર રદ કરવામાં આવે અને લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.