વડોદરા: જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 માસુમ બાળકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે લાયકાતના કોન્ટ્રાકટર હોવા છતાં પહેલી વખત કોન્ટ્રાક્ટ અપાયો ન હતો. તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ હતી? એ એક મોટો સવાલ છે.
સુઓ મોટો પિટિશન ઉપર સુનવણી: ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગત સુનાવણીમાં કોર્ટે હરણી તળાવ રી-ડેવલોપમેન્ટ કોન્ટ્રાક્ટ આપવાના તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. જે મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે સોગંદનામા ઉપર તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂક્યા હતા. VMCના એડવોકેટે જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે કુલ 11 ફાઇલો છે, જે આશરે 04 હજાર પાનાની છે.
તત્કાલીન મ્યુનિ.કમિશનરે કરેલું સોગંદનામું ગેરમાર્ગે: સમગ્ર ઘટના અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે સુઓમોટો PILની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાથી હાઇકોર્ટ નાખુશ છે. કોર્ટે એવી ટકોર કરી છે કે આ સોગંદનામું ગેરમાર્ગે દોરે છે. એની અંદરની હકીકત દર્શાવવામાં આવી નથી. તેમજ કોર્ટે જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. એ કોન્ટ્રાક્ટ એકવાર રિજેક્ટ થયો હતો અને બે મહિના પછી ફરી તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
તત્કાલીન મ્યુનિ.કમિશનરે જ કોન્ટ્રાક્ટ આપ્યો: જાણવા મળતી માહિતી મુજબ કોર્ટે નોંધ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ જાતનું એપ્રૂવલ કોટિયા પ્રોજેક્ટને આપ્યું ન હોતું. પરંતુ VMCએ કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો હતો. કોટિયા પ્રોજેક્ટને તે વખતના મ્યુનિસિપલ કમિશ્નરે જ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી કોર્ટે તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર અને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે સંકળાયેલા અધિકારીઓ સામે અર્બન વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર IAS અધિકારી હોવાથી તેની સામે સંલગ્ન નિયમો અનુસાર તપાસ હાથ ધરાશે.
સમગ્ર ઘટનાની એક સમીક્ષા: વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની અટકાયત કરીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી.
કોટિયા પ્રોજેક્ટ અને સ્કૂલને પક્ષકાર બનાવાયા: પીડિત પરિવાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે આ અરજીમાં કોટિયા પ્રોજેક્ટ, સનરાઈઝ શાળા અને ડોલ્ફિન સંસ્થાને પક્ષકાર બનાવવા માંગ કરી હતી. જોકે કોર્ટે કોટિયા પ્રોજેક્ટ અને ન્યૂ સનરાઈઝ શાળાને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. જોકે ડોલ્ફિન વિશે કહ્યું હતું કે તે સબ-કોન્ટ્રેકટર હતી. તેને કોન્ટ્રેકટર સાથે લેવા-દેવા હશે તો ન્યૂ સનરાઈઝ શાળા અને કોટિયા પીડિતોને વળતર ચૂકવશે.
- હરણી બોટકાંડના 20 આરોપીઓના નામ:
- નયન ગોહિલ
- ભિમસિંગ યાદવ
- શાંતિલાલ સોલંકી
- અંકિત વસાવા
- વેદ પ્રકાશ યાદવ
- રશ્મિકાંત પ્રજાપતિ
- બિનિત કોટીયા
- ગોપાલદાસ શાહ
- પરેશ શાહ
- જતીન દોશી
- તેજલ દોશી
- નેહા દોશી
- નિલેષ જૈન
- અલ્પેશ ભટ્ટ
- દિપેન શાહ
- ધર્મીલ શાહ
- વત્સલ શાહ
- વૈશાખી શાહ
- નૂતન શાહ
- ધર્મીન ભટાણી