વડોદરા: વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાના પારીખા ગામે પૌરાણિક કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સારંગપુરના કષ્ટભંજન દેવ મંદિર જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનદાદાની મૂર્તી સારંગપુરના કષ્ટભંજન દેવની મૂર્તિના જેવી આબેહૂબ મૂર્તી છે. જેથી અહીં બિરાજમાન દેવ પણ કષ્ટભંજન હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનદાદા મૂંગા પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ પણ માટે ડૉક્ટર સમાન છે.
ભક્તોની મનોકામના પૂર્ણ કરે: વડોદરા જિલ્લાના પારીખા ખાતે આવેલ કષ્ટભંજન દેવ મંદિરનું સંચાલન સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી-લક્ષ્મી નારાયણ દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સારંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી જેટલું જ મહત્વ અને આસ્થા પારીખામાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી ધરાવે છે. તેથી જે ભક્તો સારંગપુર ન જઈ શકે તેવા ભક્તજનો પારીખાધામ ખાતે બિરાજમાન હનુમાનદાદાના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે અને કષ્ટભંજન દેવ ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.
બંને મૂર્તિઓનું નિર્માણ એક જ શિલ્પી દ્વારા કરાયું: ઉપરાંત તમને જણાવી દઈએ કે, પારીખા ખાતે આવેલ હનુમાનજીની મૂર્તિ આબેહૂબ સારંગપુરના હનુમાનજીની મૂર્તિ જેવી જ દેખાય છે. કારણ કે બંને મૂર્તિઓ એક જ કારીગર દ્વારા બનાવવામાં આવી છે. સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ કાનાભાઈ બોટાદવાળા નામના કડીયા(શિલ્પી) પાસે આ બંને મૂર્તિ બનાવડાવી હતી. તે બે મૂર્તિ પૈકી હનુમાનજીની એક મૂર્તિની સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જ્યારે બીજી મૂર્તિ તેમણે વડોદરા મોકલાવી હતી. જેને તેમના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામી પારીખા ગામે લઈ આવ્યાં હતાં અને અહીં તે મૂર્તિ બિરાજમાન કરાવી હતી.
167 વર્ષ પૌરાણિક છે આ મંદિર: જાણવા મળતી માહિતી મુજબ, સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર સદગુરૂ ગોપાળાનંદ સ્વામી સાથે આ મંદિરનો સંબંધ પણ જોડાયેલો છે. કારણ કે, સદગુરૂ ગોપાળાનંદ સ્વામીનાં શિષ્ય સદગુરૂ ઉપેન્દ્રાનંદજી સ્વામીએ સંવંત 1914, માગશર સુદ છઠ્ઠને તારીખ 22-11-1857ને રવિવારના દિવસે આ મંદિરમાં કષ્ટભંજન દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારથી જ અહીં કષ્ટભંજન દેવ બિરાજમાન થયાં છે.
ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ: આ મંદિરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ ભકતજનોના દુઃખો અને કષ્ટો દૂર કરે છે. તે ઉપરાંત ગાય અને ભેંસ જેવાં મૂંગા દૂધાળા પશુઓ તેમજ અન્ય પશુ-પક્ષીઓ કોઈ સમસ્યાથી પીડાતાં હોય છે. ત્યારે તેના પાલકો અહીં આવીને કષ્ટભંજન દેવની માનતાં રાખે છે અને તેનાં કષ્ટો દૂર થાય છે. અહીં માનતા રાખનાર દરેક ભક્તોને એક ચીઠ્ઠી, દોરો અને શ્રીફળ આપવામાં આવે છે. કષ્ટભંજન દેવ અહીં આવનારા દરેક ભક્તોની મનોકામના અચૂકપણે પૂર્ણ કરે છે. ભકતજનોને અપાર શ્રદ્ધા રહેલી છે કે, અહીં બિરાજમાન દેવ હાજરાહજૂર છે.