કચ્છ: જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઇ શાખામાંથી મળતી માહિતી મુજબ જીલ્લામાં નાની સિંચાઇ યોજનાના 170 ડેમ આવેલા છે, જે પૈકી સારા વરસાદનાં પગલે 58 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જેમાં તમામ 170 ડેમમાં કુલ મળીને હાલમાં 84 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.
ભુજ અને માંડવી તાલુકાના ડેમો: જીલ્લામાં ચાલુ વર્ષે થયેલા સાર્વત્રિક વરસાદને પગલે નાની સિંચાઇના 170 પૈકી 58 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જેમાં ભુજ તાલુકાના 35 ડેમ પૈકી ધાણેટી, નથ્થરકુઇ, બંદરા, સામત્રા, માધાપર (અપર) (ધુનારાજા), જામારા, પદ્ધર અને ચુનડીમાં 569.24 એમ.સી.એફ.ટી. પાણી ભરાયું છે. તો માંડવી તાલુકામાં પણ સારો વરસાદ થઇ જતાં 21 ડેમમાંથી ખારોડ, રાજડા, વાગોઠી, વેંગડી, દેઢિયા, ફરાદી, ગોદડિયા, દરશડી, માપર, ઘોડાલખ, વાંઢ, કોટડી, મમાયમોરા અને ધોકડામાં 2273.49 એમ.સી.એફ.ટી. પાણી ભરાયુ છે.
મુન્દ્રા અને નખત્રાણામાં પાણીનો ઉપલબ્ધ જથ્થો: મેઘરાજાએ જ્યાં તોફાની બેટિંગ કરી તેવા મુન્દ્રા તાલુકાના 11 ડેમ પૈકી ફાચરિયા અને ગેલડામાં 465.76 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. તો નખત્રાણા તાલુકાના 16 ડેમમાંથી તરા, ગડાપુઠા, દેવસર, નાના અંગિયા, જાડાય, થરાવડા, ઝાલુ, કોટડા(રોહા), ઉમરાપર અને ધાવડા ડેમમાં 477.49 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
અબડાસા તાલુકાના ડેમોમાં આટલું પાણી ઉપલબ્ધ: અબડાસા તાલુકાનાના નાની સિંચાઈના 24 ડેમમાંથી ઉસ્તિયા, કડોલી, કુવાપદ્ધર, બાલાચોડ, સરગુઆરા, રાખડી, બાલાપર (બુડધ્રો), બુરખાણ, ભારાપર, બલવંતસાગર (સુથરી), બુટા, કાલરવાંઢ, મંજલ (રેલડિયા), વમોટી, સણોસરા, ખારૂઆ, કાપડીસર, વાયોર, ચકુડા (બાંડિયા) અને નાની બેર ડેમમાં 1252.23 એમ.સી.એફ.ટી.જેટલો પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. કયા ઉપરાંત અંજાર તાલુકાના 12 ડેમમાં 32.27 એમ.સી.એફ.ટી. જેટલો અને રાપર તાલુકાના નાની સિંચાઇના 16 ડેમમાં 3.79 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો વરસાદ બાદ સંગ્રહ થયું હોવાની માહિતી મળી છે.