અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથક વિસ્તારમાં વધુ એક વખત સિંહના હુમલાનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જાફરાબાદ વિસ્તારની અંદર એક બાળકને સિંહણે ફાડી ખાધું હતું. આ વચ્ચે ફરી જાફરાબાદ પંથકમાં સાત વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી છે.
બાળકીને ખેંચી ગઈ સિંહણ
ખાલસા કંથારિયા ગ્રામીણ વિસ્તારની અંદર રહેતી સાત વર્ષની બાળકી કીર્તિ મનોજભાઈ ધાપા ઉપર સિંહણ હુમલો કરીને જંગલ વિસ્તાર તરફ ઉપાડી ગઈ હતી. વાડીમાં માતા સાથે રહેલી બાળકીને ઉપાડીને સિંહણ ખેતી વિસ્તારની અંદર ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક વ્યક્તિઓએ સરપંચ અને ધારાસભ્યને કરી હતી. ઘટના સ્થળ પર ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો.
બાળકીના અવશેષો શોધવામાં લાગી વન વિભાગની ટીમ
વાડી વિસ્તારની અંદર નરભક્ષી સિંહણ બાળકીને ઉઠાવી અને શિકાર કર્યો હતો. જે ઘટના સામે આવતા રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તો સાથે જ વન વિભાગ સ્થાનિકો અને હીરા સોલંકી દ્વારા બાળકીના અવશેષોની શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાંથી બાળકીના એક પગનો અવશેષ મળી આવ્યો છે. હાલ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાફરાબાદ વિસ્તારની અંદર સિંહણના હુમલાની ઘટના થોડા દિવસ પહેલા બની હતી અને બાદમાં વધુ એક વખત હુમલાની ઘટના સામે આવતા તાલુકાના ખેતીવાડી વિસ્તારની અંદર રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
આ પણ વાંચો: