રાજકોટ : ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે 15 ડિસેમ્બર, રવિવારે ગુરુદત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં એક સાથે 551 પાટલા પૂજન પર બેસીને 1100 જેટલા શિષ્યોએ ગુરુ પૂજન કર્યું હતું. આ પ્રસંગે લાલબાપુના આશીર્વાદ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગધેથડ આવ્યા હતા.
ગુરુદત્ત જયંતિ નિમિતે ગુરુ પૂજન કાર્યક્રમ : ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમ ગુરુદત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ આમંત્રણ પર ગુરુપૂજન કાર્યક્રમમાં લાલબાપુના આશીર્વાદ લેવા ગધેથડ આવ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 18 વર્ણ જ્ઞાતિઓ અને વિવિધ પ્રદેશના રાજવીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા તંત્ર દ્વારા ભક્તોને લાવવા લઈ જવા માટે બસની પણ વ્યવસ્થા કરાઈ હતી.
મુખ્યમંત્રી પટેલની ખાસ ઉપસ્થિત : CM પટેલએ સંબોધનમાં કહ્યું કે, જેટલા આપણે ગુરુના ચરણમાં રહીએ તેટલા આગળ વધીએ, આ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. સેવા કોને કહેવાય તે અહીં આવીને સમજાય છે. અહીં કોઈ ચિઠ્ઠી, ચબરખી કે પૈસા માંગવા જેવું કંઈ જ જોવા નથી મળતું, છતાં ગાયત્રી આશ્રમના ગુરુ પૂજન કાર્યક્રમમાં લાખો ભક્તો આરામથી જમે છે અને દર્શનનો લાભ લે છે. એકવાર તો અહીં તમામ લોકોએ આવવું જોઈએ, અહીં આવવાથી ઘણી તકલીફો આપણા જીવનમાંથી એમ જ દૂર થઈ જાય છે.
લાલબાપુએ યાદ કર્યો ખાસ કિસ્સો : લાલબાપુએ એક વાત કરતા કહ્યું કે, તેઓ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે રાજુભાઈ ગજેરાના ઘરે રોકાયા હતા. આ વાતની જાણ મુખ્યમંત્રીને થતા તેઓ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય નિકાળીને મળવા આવ્યા હતા. અડધો કલાક પણ બેસવાનો ટાઈમ ન હતો છતાં મુખ્યમંત્રી સાહેબ દોઢ કલાક સુધી બેસ્યા હતા. વાતચીત દરમિયાન મેં તેમને ગધેથડ આવવાનું આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી પટેલ ખૂબ આધ્યાત્મિક માણસ છે. ગુજરાતને આવા મુખ્યમંત્રી પહેલીવાર મળ્યા અને આ વાતનો ખૂબ આનંદ થાય છે.
115 ગામમાં ધુમાડાબંધ જમણવાર : ગધેથડમાં ગુરુદત્ત જયંતિ નિમિત્તે યોજાયેલ ગુરુ પૂજનમાં ઘણા ક્ષત્રિય આગેવાનોએ હાજરી આપી જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રિવાબાએ વાતચીત કરતા જણાવ્યું કે, આ ગુરુપૂજન એટલા માટે વિશિષ્ટ છે કે આ ગુરુપૂજનમાં 115 ગામમાં ધુમાડાબંધ ભોજનનું આયોજન તો કર્યું જ છે, પરંતુ તેની સાથે સાથે અબોલ પશુના જમણવાર માટે પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ગધેથડના ગાયત્રી આશ્રમનો ઇતિહાસ : લાલબાપુએ કહ્યું કે, જેટલા પણ ભાવિ ભક્તો અહીં દર્શન માટે આવે છે તેમના પર માતાજીની અસીમ કૃપા છે. વર્ષ 1997-98 માં લાલબાપુએ ગધેથડ ગામમાં વેણુ ડેમના કાંઠે ટેકરા પર વડલો વાવી અહીં આશ્રમ બનાવવાની ટેક લીધી હતી. બાપુએ સંકલ્પ કર્યો હતો કે, જ્યાં સુધી આ ટેકરા પર મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી આશ્રમની બહાર પગ નહીં મુકે. બાપુનો આ સંકલ્પ 12 વર્ષ સુધી ચાલ્યો. બાપુએ આ સમયગાળા દરમિયાન માત્ર અનુષ્ઠાન અને પૂજા પાઠ જ કર્યા. વર્ષ 2005માં સંત લાલબાપુ તથા તેમના શિષ્ય રાજુભગત અને દોલુભગતના વરદ હસ્તે ગાયત્રી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વર્ષ 2011માં મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ગુરુ પૂજન અને જમણવારનું આયોજન : ગુરુદત્ત જયંતિ નિમિત્તે 25 વીઘામાં ભોજનાલયનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા હોવાથી વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સિવાય આજે બાળકો માટે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો. લાલબાપુનું ગુરુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું હતું. જ્યારે ભોજન પ્રસાદ પણ સવારથી શરૂ કરી દેવામાં આવ્યો હતો.