રાજકોટ: આજે દેશભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પગલે રાજકોટમાં પણ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટનાં મુંજકાનાં આર્ષ વિદ્યામંદિર અને કુવાડવા રોડ રણછોડદાસ બાપુના મંદિરે ગરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે દિવસભર ગુરુવંદના કાર્યક્રમો યોજાશે: એવું કહેવાય છે કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે જ ગુરુદેવ અહીં રામ ભગવાન સ્વરૂપે બિરાજમાન છે. જે કોઈ મનમાં ઈચ્છા હોય તે નિસ્વાર્થ ભાવે, શ્રદ્ધા તેમજ વિશ્વાસપૂર્વક ગુરુદેવનાં ચરણમાં જણાવવાની હોય છે અને ગુરુદેવ ચોક્કસ લોકોની ઈચ્છા પૂરી કરે છે. અહીં આવેલા અઢળક લોકોના પ્રશ્નોનાં ઉકેલ થાય છે. અહીંના ગુરુદેવના હમેશા કહે છે કે, 'મેં સદા ઇસ આશ્રમ મેં બિરાજમાન હું.' અહીં આજે દિવસભર ગુરુવંદના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આશ્રમમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી: રાજકોટના કુવાડવા રોડ પરના રણછોડદાસ બાપુ આશ્રમમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અહીં આવેલા દર્શનાર્થીનું કહેવું છે કે, માનવ જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે. ગુરુદેવની આજ્ઞા હોય તો જ આજના પવિત્ર દિવસે આશ્રમમાં પગ મૂકી શકાય છે. અમે વર્ષોથી અહીં પગપાળા આવીએ છીએ. ગુરુદેવ કહેતા કે 'રાજકોટ મેં કુછ ગલત નહીં હો સકતા રાજકોટ મેરા હૃદય હે' દર્શનાર્થીનું કહેવું છે કે, આજના આ દિવસે ગુરુદેવ પાસે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.
શુદ્ધ જીવન કોને કહેવાય તે આપણને ગુરુ શીખવે: આર્ષ વિદ્યા મંદિરનાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે પશુઓ ભગવાન જે પ્રેરણા કરે તે મુજબ જીવન જીવે છે. પરંતુ મનુષ્યો હંમેશા પોતાની બુદ્ધિથી નિર્ણય કરતા હોય છે. દરેક વ્યક્તિના મનમાં સફળ જીવનનું એક ચિત્ર હોય છે. કે હું આવો રૂપિયાવાળો બનું, સતાવાળો બનું વગેરે ઈચ્છાઓ હોય છે. આ નિર્ણય અને જીવન દ્રષ્ટિ જો સાચા હોય તો જીવન સાચું થાય છે. સાચી જીવન દ્રષ્ટિ કોને કહેવાય, શુદ્ધ જીવન કોને કહેવાય તે આપણને ગુરુ શીખવે છે."
રાજકોટમાં ગુરુઆસ્થાનું કેન્દ્ર છે: તમને જણાવી દઈએ કે, આર્ષ વિદ્યા મંદિરમાં પણ ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવિકોએ પરમાત્માનંદ સરસ્વતીજીનાં આશીર્વાદ લીધા હતા. આ આર્ષ વિદ્યા મંદિર રાજકોટમાં ગુરુઆસ્થાનું કેન્દ્ર છે. અને અહીં સંસ્કૃત, વેદ, ભાગવદ ગીતા સહિત વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા આર્ષ વિદ્યા મંદિરનું સંચાલન કરવામાં આવે છે.