અમદાવાદ : ગુજરાતમાં આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
વિદ્યાર્થીઓનો પ્રતિભાવ :
અમદાવાદની H.B. કાપડિયા શાળાના વિદ્યાર્થીઓએ ETV Bharat સાથે વાતચીત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ આ સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો અને પોતાના વાલીઓને આપ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, જો તમે કઈ દિલથી ઇચ્છો તો એ ચોક્કસ મળે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પોતાની શાળાની સફળતા અંગે જણાવતા મેનેજીંગ ટ્રસ્ટી મુક્તક કાપડિયાએ જણાવ્યું હતું કે, હું ખૂબ આનંદ અનુભવું છું કે મારી શાળાના વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. જેમાં અમારી સંસ્થા અને શિક્ષકોનો મોટો ફાળો છે. અમારી શાળામાં દર વર્ષે A1 વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. અમારી શાળાના વિદ્યાર્થીઓને અમે પૂરતું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીએ છીએ. વિદ્યાર્થીઓનો પણ અમને સહયોગ મળે છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા છે, તો જૂનાગઢમાં સૌથી ઓછું 84.81 ટકા પરિણામ છે.
ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ : 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા છે. સૌથી ઓછું છોટા ઉદેપુરનું 51.36 ટકા પરિણામ છે.
કુલ 1609 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ છે. A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034 છે. A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા, B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા છે. વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા તો વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા નોંધાયું છે.
કેવી રીતે ચેક કરશો પરિણામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://www.gseb.org પર પરિણામ જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઈ શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.