અમદાવાદ: રાજ્યમાં હવે મેઘમહેરની વિપરીત અસર જોવા મળી રહી છે. ઘણા જિલ્લાના ગામડાઓ એવા છે જ્યાં લીલા દુષ્કાળની ભીતી વર્તાઈ રહી છે, ત્યાં બીજી તરફ હાલમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 17 જિલ્લાના 52 તાલુકામાં 1.94 મીલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ છોટાઉદેપુર, નસવાડીમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે દાહોદમાં પણ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારીના વાંસદામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ વર્ષ 2021ની સરખામણી 2024માં 13 ટકા વધુ વરસાદ રાજ્યમાં વરસી ગયો છે. વર્ષ 2021માં મોસમનો કુલ વરસાદ 827.27 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે 983.92 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 132 ડેમ હાઈએલર્ટ પર: રાજયના અન્ય ૨૦૬ જળાશયોમા સંગ્રહ 439485 ફુટ છે. જે કુલ જળ સંગ્રહ ક્ષમતાના 78.45% છે. જ્યારે 113 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ ઉપરાંત 132 ડેમ હાઈ એલર્ટ પર છે અને 15 ડેમ એલર્ટ પર છે. મહત્વપૂર્ણ છે કે, નર્મદા નદી સહિત અનેક નદીઓમાં ઉપરવાસમા થયેલા વરસાદના કારણ જળસપાટી વધતા ઘણા જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે રાજ્યમાંથી વિવિધ શહેરોમાંથી 55 હજાર 829 લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું હતું. આ ઉપરાંત 5142 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 17 જિલ્લાના 52 તાલુકામાં 1.94 મીલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હજી પણ આજથી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
2 સપ્ટેમ્બર 2024
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
3 સપ્ટેમ્બર 2024
3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
4 સપ્ટેમ્બર 2024
4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ ,નર્મદા અને સુરતમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
5 સપ્ટેમ્બર 2024
5 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.