ગાંધીનગર: બાપ રે બાપ કેટલી ગરમી? બસ આજ શબ્દો સૌ ગુજરાતીઓના મોઢે ચડી ગયા છે. બધા એ જ દિશામાં વિચાર કરી રહ્યા છે કે આ ગરમી ક્યારે પતશે. તો આ મુદ્દે ભારતીય હવામાન વિભાગે સૌ માટે સરસ સમાચાર આપ્યા છે. હવામાન વિભાગમાં દર્શાવ્યા અનુસાર ગુજરાતમાં જલ્દી જ વરસાદની શરૂઆત થશે એવી સંભાવના છે.
ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટેના વાતાવરણની માહિતી બહાર પાડવામાં આવી હતી. જે અનુસાર, ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવમાં આવી છે. આ ઉપરાંત ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જોકે અમુક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે.
15 જૂનની શરૂઆતથી ચોમાસું: અહી નોંધનીય બાબત એ છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ગુજરાતમાં 6 જૂનથી એટલે કે આજથી સંભવિત રીતે ચોમાસા પહેલાની ગતિવિધિઓ વાતાવરણમાં થશે. અને આ સ્થિતિ જોતાં ગુજરાતમાં 15 જૂનની શરૂઆતથી ચોમાસું શરૂ થશે તેવા અણસાર છે.
આછું વાવાઝોડું ફૂંકાવાની સંભાવના: તારીખ 7 અને 8 જૂનના રોજ વીજળી સાથે આછું વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. અને સપાટી પરનો પવન 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ દિવસે ગુજરાત પ્રદેશના દાહોદ, છોટા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
લોકોને સાવચેતી રાખવા માટે ચેતવણી: 9 અને 10 જૂનના રોજ પણ હવામાન આવી જ રીતે યથાવત રહેશે જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના જીલ્લામાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વિસ્તારોમાં વરસાદ તેમજ વીજળી સાથે આછું વાવાઝોડું ફૂંકાવાની સંભાવના દર્શાવામાં આવી છે. આથી આ ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે ચેતવણી જાહેર કરી છે.
દક્ષિણમાં ચોમાસાની શરૂઆત: ભારતના અમુક રાજ્યોમાં જુનની શરૂઆતથી ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેમાં મુખ્યત્વે દક્ષિણ રાજ્યોનો સમાવેશ થાય છે. જેવા કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આગામી ચાર દિવસમાં ચોમાસું શરૂ થશે તેવી સંભાવના છે. આમ, ચોમાસાની ઋતુ દક્ષિણથી ઝડપથી પૂર્વ-ઉત્તર તરફ વધી રહ્યું છે.
વાતાવરણ હલકું અને ઠંડુ રહેશે: જો કે અહી નોંધનીય બાબત એ છે કે, ગરમીથી કંટાળી ગયેલા ગુજરાતવાસીઓને આ દિવસ દરમિયાન વાતાવરણ હલકું અને ઠંડુ અનુભવશે, અને કાળઝાળ ગરમીથી રાહત મળશે તેવી શક્યતા છે.