અમદાવાદઃ અત્યારે ગુજરાતમાં ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરેલ ઉમેદવારોની ચર્ચા ટોક ઓફ ધી સ્ટેટ બની છે. ભાજપના ઉમેદવારોને લઈને આશ્ચર્ય ઉપરાંત કુતૂહલ પણ સર્જાયું છે. જ્યારે કૉંગ્રેસના સોનિયા ગાંધીએ રાજસ્થાન રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી છે. રાજ્યસભામાં ઉમેદવારોની જાહેરાત બાદ ગુજરાત કૉંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ગુજરાત કૉંગ્રેસ પ્રભારી સચિન સાવંતે જે. પી. નડ્ડા, સોનિયા ગાંધી, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા અલાયન્સ વિશે પત્રકારોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
સોનિયા ગાંધીની ઉમેદવારીઃ રાજસ્થાન રાજ્યસભાના ઉમેદવાર તરીકે સોનિયા ગાંધીએ ફોર્મ ભર્યુ છે. આ સંદર્ભે સચિન સાવંતે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી જે નિર્ણય લીધો છે તે તેમનો અંગત નિર્ણય છે. કૉંગ્રેસના કપરા સમયમાં સોનિયા ગાંધીએ પક્ષનું નેતૃત્વ કર્યુ હતું. આ ઉપરાંત સંખ્યાબળના અભાવે કૉંગ્રેસે ગુજરાત રાજ્યસભામાં ફોર્મ ન ભરવાની જાહેરાત પણ કરી છે.
જે. પી. નડ્ડા સંદર્ભે કટાક્ષઃ ગુજરાત રાજ્યસભાના ભાજપના ઉમેદવારોમાં જે. પી. નડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે પુછાયેલ સવાલના જવાબમાં સચિન સાવંતે ભાજપ પર કટાક્ષ કર્યો હતો. સચિન સાવંતે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જે હાર મળી હતી તે જે. પી. નડ્ડાના કાનમાં ગૂંજતી હશે જેથી તેમણે હિમાચલ પ્રદેશ છોડીને ગુજરાત આવવું પડ્યું છે.
27મી ફેબ્રુઆરીએ મતદાનઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર 15મી ફેબ્રુઆરી 2024 સુધી ભરી શકાશે. 16 ફેબ્રુઆરીના રોજ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પરત ખેંચી શકશે. 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9થી સાંજે 4 કલાક સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 કલાકે મત ગણતરી કરવામાં આવશે.
સોનિયા ગાંધી જે નિર્ણય લીધો છે તે તેમનો પોતાનો અંગત છે. કૉંગ્રેસના કપરા સમયમાં સોનિયા ગાંધીએ પક્ષનું નેતૃત્વ કર્યુ હતું. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જે હાર મળી હતી તે જે. પી. નડ્ડાના કાનમાં ગૂંજતી હશે જેથી તેમણે હિમાચલ પ્રદેશ છોડીને ગુજરાત આવવું પડ્યું છે...સચિન સાવંત(ગુજરાત કૉંગ્રેસ પ્રભારી)