અમદાવાદ: ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શશીસિંઘએ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં આવનારા સમયમાં યુથ કોંગ્રેસની રણનીતિ વિશે માહિતી આપી હતી અને ગુજરાતની સમસ્યાને ઉજાગર કરી હતી.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શશી સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની કારોબારીમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે. આવનારા સમયમાં નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ યુથ કોંગ્રેસની મોટી જવાબદારી છે જેમાં બુથ મેનેજમેન્ટ સાથે સાથે વિવિધ આંદોલાત્મક કાર્યક્રમો પણ આપવામાં આવશે. જયારે યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમનુ આયોજન કરશે, જેમાં 15 મી ઓગસ્ટે તિરંગા યાત્રા અને ધ્વજવંદન કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. 9 ઓગસ્ટના દિવસે યુથ કોંગ્રેસના સ્થાપના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને યુવાનોને જોડવાનું પણ કાર્ય કરવામાં આવશે સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે વધુમાં તેમને જણાવ્યું હતું કે, 20 મી ઓગસ્ટના દિવસે રાજીવ ગાંધીની જન્મ જયંતીના અવસરે સમગ્ર ગુજરાતમાં તેમના જીવન વિશેની માહિતી સભર વ્યાખ્યાનો અને સાથે સાથે વિવિધ પ્રકારની શિબિરો આયોજન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ડ્રગ્સની હેરાફેરીમાં ભાજપના કાર્યકર્તાઓ પકડાઈ રહ્યા છે આવનારા સમયમાં તેમની સામે લડવા માટે અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે પણ યુથ કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો આપશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે અને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે તેની સામે વધુ આક્રમક યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમમાં પણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ ડ્રગ્સની હેરાફેરી કરતા ભાજપના કાર્યકર્તાઓ પકડાઈ રહ્યા છે અને તેના લીધે વિદ્યાર્થીઓના અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તેના લીધે વાલીઓ પણ ખૂબ જ ચિંતાતુર બન્યા છે. આવનારા સમયમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવશે અને આવનારા સમયમાં હાલની સરકારે ડ્રગ્સની બાબતે કોઈ પગલાં લીધા નહીં તો ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે, દિન પ્રતિદિન ગુજરાતનો માહોલ ખૂબ જ ખરાબ થઈ રહ્યો છે ગુજરાતની અંદર ચારે બાજુ આજે ડ્રગ્સની હેરાફેરી અને બહુ સરળતાથી ડ્રગ્સ મળી રહ્યું છે જેમાં મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ પણ પકડાઈ રહ્યા છે તેના લીધે યુવાનોનું ભવિષ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠાની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અવારનવાર હેરાનગતિ કરવામાં આવી રહી છે અને તેના લીધે પોલીસ પણ કોઈ ચોક્કસ એક નેતાના ઇશારે કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસ દ્વારા પી.એસ.આઇ. દ્વારા જાણે કમલમ ખાતેનું સીધું કનેક્શન હોય એવું જણાઈ રહ્યું છે.એને લઈને પણ યુથ કોંગ્રેસ આગામી સમયમાં પણ આક્રમક કાર્યક્રમો આપશે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મનિષાબેન પરીખ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દિગ્વિજયસિંહ રાજપુત અને અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ જયમન શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.