રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે હવે જનજીવનને માઠી અસર પડી રહી છે, આટલું ઓછું હોય તેમ હવે લોકોને વીજળીની સમસ્યાથી ઝઝૂમવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે વીજ પૂરવઠો ખોરવાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. દ્વારકા, જુનાગઢ, ખંભાળીયામાં ભારે વરસાદના કેટલાંક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, અને અહીં વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઇ ગયો છે. પંથકના 5 ગામો એવા છે જ્યાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો છે. જેમાં જામનગરનું 1 અને ભુજના 3 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
અતિભારે વરસાદના કારણે રાજકોટ ગ્રામ્યના 30 વીજ પોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત પોરબંદરના 267 વીજપોલ અને 20 ટ્રાન્સફોર્મર, જુનાગઢના 169 વીજપોલ અને 18 ટ્રાન્સફોર્મર તેમજ જામનગરના 445 વીજ પોલ અને 34 ટ્રાન્સફોર્મર સહિત ભુજના 54 વીજપોલ અને 2 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. ડેમેજ ટ્રાન્સફોર્મરનું હાલ રીપેરીંગ કાર્ય ચાલી રહ્યું છે.
જુનાગઢમાં 15, જામનગરના 46, ભુજના 139 અને અંજારના 2 ફીડર બંધ પડયા હતા. હાલ 237 ફીડરને નુકશાન થયું છે અને 987 વીજપોલ અને 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થોભી રહ્યો નથી જેના કારણે નુકશાનીમાં વધારો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે PGVCL અધિકારિયો પાસેથી મળતી વિગત મુજબ વીજ પોલ અને TC રીપેરીંગ માટેની કામગીરી કરવામા આવી રહી છે.