ગાંધીનગર: સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામ ખાતે દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થતા આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.
રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થયેલ છે. લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે, તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે.
હાલમાં પુલ-રોડ તુટેલા હોવાના કારણે અને વેધર ક્લીયર થતાં રેસ્ક્યુની કામગીરી કરવામાં અડચણ આવી રહી છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.