પોરબંદર : ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે, ત્યારે અન્ય પક્ષના ધારાસભ્ય પોતાના પક્ષમાં ખેંચવા માટે ભાજપ પક્ષમાં કોંગ્રેસના દિગગજોને લાવવા માટે અનેક પ્રયાસો ઘણા સમયથી ચાલી રહ્યા હતાં. ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જવાની ચર્ચાએ જોર પકડ્યું હતું .પક્ષાંતરનું કોઈ દેખીતું કારણ હતું જ નહીં. ત્યારે રાજકીય સમીક્ષકોની ચર્ચાને અર્જુન મોઢવાડિયાએ સાચી સાબિત કરી છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓની મહેનત પર પાણી ફેરવ્યું : પક્ષાંતર કરી રહ્યા છો કે કેમ તે અંગે મીડિયાએ અનેક વાર અર્જુનભાઈને ફોન કરી સવાલ કરેલા હતાં. ત્યારે આ બાબતે અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘસીને ના પાડી દીધી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. પરંતુ આજે મોઢવાડિયાએ પોતે પક્ષપલટી કરી ખોટા હોવાનું સાબિત કરી દીધું છે અને પ્રજાને આપેલ કોલમાં પણ ખોટા સાબિત થયા છે. તેમના પર લોકોએ વિશ્વાસ કર્યો હતો તે કોંગ્રેસના બેનર હેઠળ કર્યો હતો અને આથી કોંગ્રેસના કાર્યકરોએ રાત દિવસ એક કરી અથાગ મહેનત કરી તેમને જીત અપાવી હતી. ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓની મહેનતને અસફળ બનાવી તેના પર પાણી ફેરવી દીધું હોય તેવું હાલ જણાઈ રહ્યું છે.
રાષ્ટ્રીયસ્તરના કોંગ્રેસના નેતા ગણાતા હતા અર્જુન મોઢવાડિયા : લાંબા સમયથી કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકર અને રાષ્ટ્રીય લેવલ નામના ધરાવતા કોંગ્રેસ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા કે જેઓને ગાંધી પરિવાર સાથે ઘરોબો રહ્યો છે, એક સમયે સોનિયા ગાંધી પણ તેમને પૂછીને રાજકીય રણનીતિ ગોઠવતા હતાં તે જતાં રહેતાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય વજીર ગુમાવ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
એકસમયે મોદી અને શાહને રંગાબિલ્લા કહેનાર મોઢવાડિયા તેમના શરણે : હાર્દિક પટેલ કે જે હંમેશા ભાજપની ટીકા કરતા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતાં, તેવી જ રીતે અર્જુન મોઢવાડિયાએ ચૂંટણીમાં એક સમયે મોદી અને અમિત શાહને રંગાબિલ્લાનું બિરુદ આપ્યું હતું અને આકરી ટીકા કરતાં રહી રાજકીય પ્રહારો કર્યા હતાં. એવા અર્જુન મોઢવાડિયા આજે ભાજપના ગાડે બેસી ગયા છે. ત્યારે એક કહેવત પ્રમાણે રાજકારણીઓનું કાંઈ નક્કી નથી હોતું તે ગમે ત્યારે બદલે છે તે અહીં સાબિત થાય છે. તો અર્જુન મોઢવાડિયાને ભાજપ દ્વારા કોઈ મોટી ઓફર આપવામાં આવી હોય તેવું પણ રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આગામી સમયમાં પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે.