ગાંધીનગર : ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25 માટેનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. 1 ફેબ્રુઆરીથી શરૂ થયેલ બજેટ સત્રનો આજે બીજો દિવસ છે, જ્યારે આ બજેટ સત્ર આગામી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુજરાત વિધાનસભાના આ બજેટ સત્રમાં કુલ 25 બેઠકો યોજાશે. નોંધનીય છે કે, ગતરોજ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાત બજેટ 2024-25 : ગુજરાતમાં હાલ ઈ-વિધાનસભા ચાલી રહી છે. ત્યારે આ બજેટ સત્રની બેઠકો સહિતની કામગીરી પેપરલેસ છે. આજે નાણાંપ્રધાન કનુ દેસાઈ ટેબલેટના માધ્યમથી પેપરલેસ બજેટ રજૂ કરવાના છે. આજે સવારે 10 વાગ્યાથી વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થશે. પ્રથમ પ્રશ્નોતરી અને મુખ્યપ્રધાન હેઠળના વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
બજેટ સત્રનો બીજો દિવસ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાણાંપ્રધાન કનુ દેસાઈ દ્વારા અંદાજપત્ર રજૂ થશે. ત્યારે હાલ ગુજરાતના ધારાસભ્યો સહિતના લોકો ગુજરાત વિધાનસભા ખાતે પહોંચી રહ્યા છે. નિષ્ણાંતોના અનુસાર આ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાની શક્યતા છે. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે.