ગાંધીનગર : લોકસભા ચૂંટણી પહેલાં બેન્ક ખાતાઓ ફ્રીઝ થઈ જવા મામલે કોંગ્રેસના હેડક્વાર્ટરમાં જાહેર માધ્યમો સમક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવાયા છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણી જ ના લડી શકે તે માટે ભાજપે આ કાર્યવાહી કરી છે. અમારે લોકતંત્ર બચાવવું છે અને બધાને સમાન તક મળવી જોઇએ. મોદી સરકારે દેશના સંસાધનો, મીડિયા અને બંધારણીય તથા ન્યાયિક સંસ્થાનો પર કબજો કરી લીધો છે.
ગુજરાત ભાજપની પ્રતિક્રિયા : કોંગ્રેસ નેતાઓના આક્ષેપ અંગે ગુજરાત ભાજપે પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ થવા મુદ્દે પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.
કોંગ્રેસ અત્યારે હતાશા અને હારનો સામનો કરી રહી છે. દેશની જનતા કોંગ્રેસની સાથે નથી કોંગ્રેસના નેતાઓ તેનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસે દેશની જનતાનો ધ્યાન ભટકાવવા માટે પ્રયાસો કર્યા છે. કોંગ્રેસનું બેંક ખાતું એ દેશનું ખાતું નથી. કોંગ્રેસે 5000 કરોડનું નેશનલ હેરાલ્ડનું ગબન કર્યું છે. કોંગ્રેસે 5000 કરોડ ગબન કર્યા તેનો ખુલાસો કરવો જોઈએ. ભાજપે કોઈ ખાતા સીલ કર્યા નથી. ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના બેંક ખાતા સીલ કર્યા છે. ઇન્કમટેક્સ વિભાગમાં દેશના દરેક નાગરિકો અને સંસ્થાઓ માટે એક સમાન કાયદા છે. ઇન્કમટેક્સ રિટર્નમાં યોગ્ય જાણકારી આપી ન હોય તો ઇન્કમટેક્સ ખાતું તમારી સામે પગલાં લઈ શકે છે...ડો.યજ્ઞેશ દવે (પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર)
કોંગ્રેસનું બેન્ક ખાતું દેશનું ખાતું નથી : તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ દ્વારા અધૂરી જાણકારી આપી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ નેતાઓમાં હતાશા છે. આગામી લોકસભા ચૂંટણીમાં હારના ડરથી નેતા પાર્ટી છોડી રહ્યા છે. કોંગ્રેસના ખાતા ફ્રીઝ થયા છે. કોંગ્રેસનું બેન્ક ખાતું દેશનું ખાતું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જ્ઞાન અધૂરું છે. ભાજપે ખાતા ફ્રીઝ કર્યા નથી. ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે. ગત તા.6-7-2021 માં કોંગ્રેસને આઈટી નોટિસ મળી હતી. કોંગ્રેસના ઇન્કમટેક્સ રિટર્ન યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા ન હતાં. તેથી વર્ષ 2018 - 19ની નોટિસ તારીખ 6- 7 -2021 ના રોજ આપવામાં આવી છે. 105 કરોડની ડિમાન્ડ નોટ આપી હતી. આ ડિમાન્ડ નોટ સામે કોંગ્રેસ નેતાઓ અપીલમાં ગયા હતા. સીઆઈડી, કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. ત્યાં સુધીમાં તેમની રકમ વ્યાજ સાથે વધીને 135 કરોડ થઈ હતી. ઇન્કમટેક્સે 105 કરોડની ડિમાન્ડ નોટ કાઢી છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 14 લાખની સામે 200 કરોડ રૂપિયા ધરાવતા ખાતા ફ્રીઝ કર્યા હોવાની જે આક્ષેપ કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે.
દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ : ડો.યજ્ઞેશ દવેએ ટીકા કરી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દેશને ગુમરાહ કરે છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં અત્યારથી હાર કબૂલી લીધી છે. કોંગ્રેસે રિકવરી ભરી નથી તેમના માટેની આ નોટિસ છે. કાયદાકિય કેસ હજી ચાલે છે. કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.