સુરત: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો અને અંતિમ દિવસ હતો. આજે સુરતથી યાત્રા શરૂ થઈ અને બારડોલી થઈને તાપી પહોંચી હતી. રાહુલ ગાંધીની યાત્રાને આવકારવા હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી કાલે યોજાનાર ઇલેક્શન કમિટીની બેઠકમાં હાજરી આપવા દિલ્હી રવાના થયા છે.
કાર્યકરોમાં નારાજગી: રાહુલ ગાંધી બારડોલીમાં સ્વરાજ આશ્રમની મુલાકાત બાદ બારડોલીના લીમડા ચોક ખાતે સભાને સંબોધન કરવાના હતા. પરંતુ તેઓ દિલ્હી મીટિંગમાં જવાના હોય સભા રદ્દ કરી સીધા વ્યારા જવા રવાના થયા હતા. રાહુલ ગાંધીને મળવા માટે વહેલી સવારથી કાર્યકરો બારડોલીના અલગ અલગ વિસ્તારમાં ઉભા રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધીએ સભા સંબોધિત ન કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. બારડોલીના શહીદ ચોક પાસે જય શ્રી રામ સેનાના કેટલાક કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધી ત્યાંથી પસાર થતા જ રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવી વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના: આજે ચોથા દિવસે ભારત જોડો ન્યાય યાત્રા સુરતથી બારડોલી થઈને તાપી પહોંચી. રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ યાત્રામાં જોડાયા હતા. રાહુલ ગાંધીની યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચવાની હતી, પરંતુ ગત રાત્રિના શિડ્યુલમાં ફેરફાર થતાં હવે તેઓ દિલ્હી જવા રવાના થશે. કાલે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠકમાં દિલ્હી ખાતે હાજરી આપશે. ત્યારબાદ મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરશે.
યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધી નર્મદા જિલ્લાની 70 સામાજિક સંસ્થાઓને મળ્યા હતા. આ બેઠક નર્મદા જિલ્લાના કુંવરપરામાં યોજાઈ હતી, જેમાં ખેડૂતો, આદિવાસીઓ અને દલિતોના પ્રશ્નો પર કામ કરતા કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. ભરૂચમાં જાહેર સભામાં AAP ધારાસભ્ય ચૈત્રા વસાવા પણ હાજર રહ્યા હતા.
સમાન ન્યાય માટે યાત્રાઃ ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યુ છે. જે મણિપુરથી શરુ થઈ છે. આ યાત્રાનો હેતુ દેશના દરેક નાગરિકને સમાન આર્થિક, રાજકીય અને સામાજિક ન્યાય મળે તે છે. દેશના તમામ નાગરિકોને પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેની આ ભારત જોડો ન્યાય યાત્રા છે.
ગુજરાત બહારથી પણ સમર્થકો ઉમટ્યાઃ રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકો પણ શરૂઆતથી રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે. આજની ભારત જોડો ન્યાય યાત્રામાં કૉંગ્રેસના અને રાહુલ ગાંધીના કેટલાક સમર્થકો કેરળ, છત્તીસગઢ અને તમિલનાડુથી પણ જોડાયેલા છે. કેરળના વાયનાડ કે જ્યાંથી રાહુલ ગાંધી સાંસદ પણ છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને યાત્રામાં તેમની સાથે યુવાનો ફરી રહ્યા છે. જો રાહુલ ગાંધીને વાયનાડથી ફરી ટિકિટ અપાય તો રાહુલ ગાંધી ચોકક્સ જીતશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.