અમદાવાદઃ ગુજરાત એટીએસને પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઈસમને ઝડપી લેવામાં સફળતા મળી છે. 21 વર્ષિય જતીન ચારણીયા 4 મહિનાથી પાકિસ્તાન ઈન્ટેલિજન્સને આ જાસૂસ માહિતી મોકલતો હતો. આ ઈસમ પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગુજરાત એટીએસના પોલીસ ઈન્સપેક્ટર પી. બી. દેસાઈને આ ઈસમ અંગે ચોક્કસ બાતમી મળી હતી.
ચોક્કસ બાતમીઃ ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઈન્સપેક્ટર પી.બી દેસાઈને ગુપ્ત બાતમી મળેલ કે જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે.જે છેલ્લા ચારેક મહીનાથી Advika Prince નામક કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડની જેટી તથા વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ WhatsApp તથા Telegram જેવી ચેટ એપ્લીકેશન્સ મારફતે પાકિસ્તાનના એજન્ટને મોકલે છે. આ માહિતીના બદલમાં આ જાસૂસને સારી એવી રકમ પણ ઈનામમાં મળતી હતી.
માહિતી પહોંચાડવાના લીધા પૈસાઃ ગુજરાત એટીએસે આ ચોક્કસ બાતમી અને ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને પૂછપરછ અર્થે એ.ટી.એસ. ગુજરાત, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ છે. જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે જાન્યુઆરી 2024થી એક Advika Prince નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવેલ. પોતે એક મહિલા હોવાનું જણાવી આ Advika Prince ફેસબુક પ્રોફાઈલ ધારકે જતીન ચારણીયાનાઓ પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહીતી મેળવી, અવાર નવાર ચેટ કરી, મિત્રતા કેળવી જતીન ચારણીયાનાઓનો વિશ્વાસ જીતી લીધેલ હતો. દરમ્યાન Advika Princeની માંગણી મુજબ જતીન ચારણીયાનાઓ તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપેલ હતી. ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેટી ઉપર ઉભેલ શીપનો વીડીયો બનાવી અડવીકાને મોકલી આપેલ હતો. જે બદલ Advika Princeએ જતીન ચારણીયાનાઓને ટુકડે ટુકડે કુલ રૂ. 6000/- મોકલાવેલ. ત્યારબાદ અડવીકાની સૂચના મુજબ જતીન ચારણીયાનાઓએ અડવીકાએ આપેલ તેના ટેલીગ્રામ એકાઉન્ટ પર ચેટ કરવાનું શરૂ કરેલ.
વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયોઃ ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે જતીન ચારણીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ Advika Prince દ્વારા ઈન્ડિયન કોસ્ટગાર્ડના રીસોર્સીસ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેની વિરુદ્ધ ગુજરાત એટીએસ દ્વારા ATS PS 3/24 ઈ.પી.કો 121-ક તથા 120-B મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
21 વર્ષિય જતીન ચારણીયા 4 મહિનાથી પાકિસ્તાન ઈન્ટેલિજન્સને આ જાસૂસ માહિતી મોકલતો હતો. આ ઈસમ પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગુજરાત એટીએસના પોલીસ ઈન્સપેક્ટર પી. બી. દેસાઈને આ ઈસમ અંગે ચોક્કસ બાતમી મળી હતી...એસ.એન.ચૌધરી (ડીવાયએસપી, એટીએસ)