ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રને મળ્યાને છ મહિના થવા આવ્યા પરંતુ સત્ર મળ્યું ન્હોતું અને લોકોના પ્રશ્નોની ચર્ચાઓ થતી ન્હોતી તેવી માગ સાથે હાલમાં જ કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્ર મળવા માટે માગ કરવામાં આવી હતી. હવે આ અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
શંકર ચૌધરીએ કર્યું રાજ્યપાલને આહ્વાનઃ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આગામી તારીખ 21 ઓગસ્ટ ના રોજ ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે. આમ ગુજરાતની 15 મી વિધાનસભાનું સત્ર 21 ઓગસ્ટના રોજ બપોરે 12:00 કલાકે બોલાવતી અધિસૂચના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ગુજરાત વિધાનસભાના આગામી સત્ર અંગે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. 15મી વિધાનસભાના આગામી પાંચમા સત્ર માટે સભાગૃહની બેઠક તા.21/08/2024ના રોજ બપોરના 12:00 વાગ્યાથી બોલાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આહ્વાન કર્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાના તમામ સભ્યઓને ઉક્ત સમય અને તારીખે સભાગૃહની બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરી છે.
કોંગ્રેસે કરી હતી સત્ર બોલાવાની માગઃ ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા તારીખ 6 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલી અધિસૂચના અનુસાર ગુજરાત વિધાનસભાને સત્ર માટે આહ્વાન કરતો ગુજરાત રાજ્યપાલનો 6 ઓગસ્ટ 2024 નો હુકમ સામાન્ય માહિતી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમણે જાહેરાત કરી કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 174 ના ખંડ એકથી મળેલી સત્તાની રૂએ હું આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ આથી બુધવારે તારીખ 21 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં આવેલી વિધાનસભા ગૃહમાં વિધાનસભાને સત્ર માટે આહવાન કરું છું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આ સત્ર બોલાવવાની માગ કરવામાં આવી હતી. લાંબા સમયથી સત્ર મળ્યું ના હોઈ અને લોકોના પ્રશ્નોની ચર્ચા થતી ના હોવાને લઈને કોંગ્રેસે માગ કરી હતી. પરંપરાગત રીતે આ સત્ર 2 દિવસનું મળતું હોય છે પરંતુ હાલ આ સત્ર કેટલા દિવસનું છે તેની વિધિવત જાહેરાત કરવામાં આવી નથી. આ તરફ કોંગ્રેસ દ્વારા લાંબા સત્રની માગ કરવામાં આવી છે.