સુરત: ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ હજારો હેક્ટર જમીનમાં પાક તૈયાર કર્યો હતો. શેરડીનું વાવેતર પણ ખેડૂતોએ મોટાપાયે કર્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે.
દક્ષિણ ગુજરાતમાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયેલો છે, તથા અનેક વિસ્તારમાં ડાંગર કાપણીની કામગીરી ચાલી રહેલી છે. પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ડાંગરના તૈયાર થયેલ આશરે ૧.૧૮ લાખ હેક્ટર પાકમાં નુકસાન થવા પામેલ છે.
ખાસ કરીને, સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખેલ હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયેલ છે. આ પલળી ગયેલ ડાંગરના ગ્રેડિંગ નીચે આવવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે આ વાત ચોક્કસ છે.
આ જ રીતે બાજરી, જુવાર, તલ સહિતનાં પાકને નુકસાન થવા પામેલ છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે. ખાસ કરીને, સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં હાલમાં શેરડીના પાકનું વાવેતર કરવામાં આવેલ છે. જે માં પણ વરસાદની અસર થતા કટિંગની કામગીરી મોડી થશે.
સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે. જેને લઈને સૌથી વધુ ડાંગરને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં 1.80 લાખ એક્ટર માં આ વર્ષે ડાંગરની ખેતી થઈ છે. ખેડૂતની દિવાળી સુધરે તે માટે સરકાર સર્વે કરાવે સહાય ચૂકવે તેવી માંગ છે.