અમદાવાદ : ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બોલી કે સાંભળી ન શકનાર માતાપિતાની દીકરી સારિયાએ 93 ટકા મેળવ્યા છે. સારિયાએ માતાપિતા પાસેથી સાઈન લેંગ્વેજ પણ શીખી છે. સારિયા કૌશલભાઈ શાહના માતાપિતા સાંભળી કે બોલી શકતા નથી.ત્યારે આજે આવેલા પરિણામમાં સારિયાએ 93 ટકા મેળવ્યાં છે.
સારિયા સીએ બનવા માગે છે : સારિયાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મારી આ સફળતા પાછળ મારી ફેમિલી એટલે કે મારા પિતા અને મારા શિક્ષકોનો હાથ છે. મારા માતાપિતાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. મને આળશ આવતી તો મને સમજાવતાં કે ભણવાથી સફળતા મળે છે અને મને શાળાએ જવા મોટિવેટ કરતાં. જેનું આજે પરિણામ મળ્યું છે ભણવું ખૂબ જ જરૂરી છે. મને નાનપણથી સાઈન લેંગ્વેજ આવડે છે. મેં મારા માતાપિતા પાસેથી આ ભાષા શીખી છે. આગળ હું કોમર્સ લઈને CA કરવા માંગુ છું.
માતાપિતાએ સાઇન લેંગ્વેજમાં આભાર માન્યો : સારિયાના માતાપિતા બોલી કે સાંભળી શકતાં નથી ત્યારે તેમણે સાઈન લેંગ્વેજમાં પોતાની દીકરીને સફળતાને લઈને ઈટીવી ભારત સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સફળતા માટે એચબી કાપડિયા શાળાના શિક્ષકોનો આભાર માન્યો હતો.
એસએસસીનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ 82.56 નોંધાયું છે. આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 નોંધાઈ છે. અમદાવાદ શહેરનું પરિણામ 78.20 ટકા અને અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 81.74 ટકા નોંધાયું છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહિત : અમદાવાદ શહેરમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 25 અને અમદાવાદ ગ્રામ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 73 નોંધાઈ છે. આ સાથે અમદાવાદ શહેરમાં 10 ટકાથી નીચું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 8 અને અમદાવાદ ગ્રામ્યમાં 10 ટકાથી નીચું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 4 નોંધાઈ છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ સફળતાની ઉજવણી કરી હતી. વાલીઓમાં પણ પોતાના સંતાનોના સારા પરિણામને લઈને તેમના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો.