અમરેલીઃ અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ અમરેલી યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તથા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રુપાલાની એક કમેન્ટનો વીડિયો હવે સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં રુપાલા જેવા નેતા બાઈટિંગની વાત મગફળી ખાતા ખાતા કરી રહ્યા છે. જ્યારે તેમના આ શબ્દો સાથે અન્ય નેતાગણ રીતસર ખડખડાટ હસી પડ્યા હતા.
ખેડૂતોમાં હરખની હેલીઃ સરકાર દ્વારા ટેકાના ભાવે આજથી અમરેલી યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય નેતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. યાર્ડની જાહેર હરરાજીમાં ખેડૂતોને 900 થી 1100 જેવા ભાવો મળતા હોય જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોને 1356 જેવા ભાવો મળતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.
ખેડૂતોને વરસાદમાં નુકસાનઃ પાછોતરા વરસાદથી ખેતપેદાશોને નુકસાન થયું હોય ત્યારે મગફળીના ભાવો પણ પૂરતા મળતા નથી તેવી ખેડૂતોની રાવ ઉઠી હતી. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 1356 જેવા મળતા હોવાનું જણાવતા ખેડૂતોએ તેને આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું છે. ત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પહેલા અમરેલીમાં ખેડૂતોને પોષણશમ ભાવો મળે, ટેકાનો ભાવ ખેડૂતોને મળે અને વાવેતર અગાઉ નક્કી કરવાનો ધ્યેય સરકારે સાર્થક સાબિત કર્યો છે અને આજે અમરેલી બાદ જિલ્લાના બધા સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદી શરુ થશે." દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું
આમ અહીં એક તરફ ખેડૂતોને મળતા ભાવોને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો બીજી બાજુ બાઈટિંગ શબ્દ પોતાના વરિષ્ઠ નેતાના મોંઢેથી સાંભળી નેતાગણમાં પણ ખીલખીલાટ જોવા મળ્યો હતો.