અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે નાના-મોટા મંદિરો મોટા પ્રમાણમાં આવેલા છે જેમાંથી એક મંદિર બાબા રામદેવનું છે, જ્યાં દર વર્ષે બાબા રામદેવના મંદિર ખાતે મહા સુદ બીજના પર્વે અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વણઝારા સમાજ દ્વારા કરવામાં આવે છે. રામદેવપીર મંદિર ટેકરી ખાતે ગ્રામજનો માટે મહાપ્રસાદ અને ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગ્રામજનો માટે ભવ્ય ભંડારાનું વણઝારા સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને રાત્રે રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં આ વર્ષે મહેન્દ્રસિંહ રાઠોડ તેમની કલાનું પ્રદર્શન રામદેવપીર ટેકરી મંદિર ભટવાસ ખાતે રાત્રે ભજન સંધ્યામાં કરશે..
યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે માઘ સુદ બીજ જે બાબા રામદેવ પીરની બીજ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે છેલ્લાં ૪૦ વર્ષથી વાજતે-ગાજતે સમગ્ર વણઝારા સમાજની સાથે રહી અંબાજીની ધર્મપ્રેમી જનતા આ નગર યાત્રામાં જોડાય છે. જેની શરૂઆત વર્ષ ૧૯૮૫થી અંબાજી ખાતે આ નગરયાત્રા એક લારીમાં બાબાને બિરાજમાન કરી કાઢવામાં આવતી હતી. જે આજે બગ્ગીમાં કાઢવામાં આવે છે. જેમાં ગામની ધર્મપ્રેમી જનતા જોડાઈને આ યાત્રા ની શોભામા વધારો કરી રહ્યા છે .
ભાટવાસ ખાતે આવેલ રામદેવ ટેકરી મંદિરે દર વર્ષે રામદેવ બીજ ના દિવસે સવારે નગર શોભાયાત્રા બાદ ભોજન પ્રસાદી ( ભંડારા )નું આયોજન વણઝારા સમાજ દ્વારા કરાય છે, જેમાં ગામના દરેક લોકોને આમંત્રણ અપાય છે, સાથો સાથ સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ આયોજિત કરાય છે. જેમાં રાજસ્થાનના લોક કલાકારો દ્વારા સંતવાણી અને ભજન પ્રસ્તુતિ કરાય છે.