સુરત: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે ઘણાં સમયથી ચળવળ ચાલે છે. દરમિયાન રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનો સંપાદન કરવા માટે પરવાનગી આપી દીધી છે. એરપોર્ટ નજીક આવેલા મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 80643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરવા માટે સરકારે પરવાનગી આપી છે.
સરકાર સંપાદન નિયમ પ્રમાણે વળતર ચૂકવશે: જમીન સંપાદન કરવા માટે સરકાર વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવશે. રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આ અંગે પત્ર વ્યવહારો કરવામાં આવ્યા હતા.
બજેટમાં 215 કરોડની જોગવાઇ: આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ડિસેમ્બર 2024માં MOU કરવા માટેની વહિવટી મંજૂરી પણ આપી દીધી છે. ખાનગી જગ્યાના કાયમી સંપાદન માટે 2023-24 વર્ષના બજેટમાં રૂપિયા 215 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી.
આ સર્વે નંબરોની જમીન સંપાદન કરાશે મંજૂર: મગદલ્લાના સર્વે નંબર 44/બી, 45, 48, 49/1, 51/5, 50/2/1 પૈકી 1/5, 50/2/1 પૈકી 1/1, 50/1, 52/1/1/3, 51/3, 51/2, 53/3, 53/4, 55/4, 55/5, 55/6 અને 57 મળી કુલ 80643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરાશે.